ગુજરાત

સિવિલ હોસ્પિટલ અને AMC ના નામે 9.60 લાખનો ફ્રોડ: સેટેલાઇટના વેપારી સાથે ઠગાઈ કરનાર ત્રણ ગઠિયા જેલભેગા

Ahmedabad Cyber Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના નામે ટેન્ડર અપાવવાની લાલચ આપી 9.60 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ત્રણ શાતિર આરોપીઓની ધરપકડ કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક કંપનીના સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. આરોપીઓએ વેપારીને સિવિલ હોસ્પિટલમાં 2,000 ડિસ્પોઝેબલ બેગ સપ્લાય કરવાનો મોટો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધો હતો. આ માટે આરોપીઓએ બોગસ એમ્પ્લોયી આઈડી કાર્ડ, નકલી ટેન્ડર ફોર્મ અને પર્ચેઝ ઓર્ડર જેવા બનાવટી દસ્તાવેજો બનાવી વેપારીનો ભરોસો જીત્યો હતો.

સર્ટિફિકેટના નામે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

સાયબર ક્રાઈમના પીઆઇ એમ.એચ. ભેટરિયાની ટીમે આ કેસમાં રાહુલ શર્મા, વિપુલ સિંહ અને અમન કુશવાહાની અટકાયત કરી છે. આરોપીઓએ ZED સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, GEM પોર્ટલ પર OEM સર્ટિફિકેટ તેમજ NSIC સર્ટિફિકેટ જેવી વિવિધ કાગળની પ્રક્રિયાઓના બહાને વેપારી પાસેથી તબક્કાવાર 9.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લાંબા સમય સુધી સપ્લાયનો ઓર્ડર ન મળતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે વિલંબ વગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

AI અને Google Meet થી રચાયું આખું કાવતરું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાહુલ શર્મા આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ છે, જેણે સિમકાર્ડ, બેંક ખાતાં અને આયોજનની ગોઠવણ કરી હતી. રાહુલે સિવિલ હોસ્પિટલના પર્ચેઝ વિભાગના અધિકારી “રાજેશ રાવલ” તરીકે ઓળખ આપી હતી. તેણે AI ની મદદથી હોસ્પિટલના નકલી લેટરપેડ, સહી-સિક્કા અને બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવી Google Meet મારફતે વેપારી સાથે મીટિંગ કરી હતી. એટલું જ નહીં, રાહુલ પોતે સિવિલના કર્મચારી તરીકે વેપારીની ઓફિસે રૂબરૂ પણ ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અન્ય ઠગાઈના ચોંકાવનારા ખુલાસા

ગેંગના અન્ય સભ્ય વિપુલ સિંહ તોમરે ફ્રોડની રકમ મેળવવા પોતાના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અમન કુશવાહાએ AMC ના અધિકારી “શૈલેષ સિંહ” બનીને વિવિધ સર્ટિફિકેટના નામે પૈસા પડાવવામાં મદદ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ નંબર અને બેંક ડિટેલ્સના આધારે ચાંગોદર વિસ્તારમાં એક વ્યક્તિ સાથે 18.31 લાખની છેતરપીંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે, જે અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.

સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ યથાવત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે અન્ય અનેક લોકોને પણ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ શાતિર ગેંગે અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોને નિશાન બનાવ્યા છે, કેટલી રકમની છેતરપિંડી આચરી છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા સાગરીતો સંડોવાયેલા છે તે દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપ મહિલા કાર્યકર્તાના ગંભીર આક્ષેપ: હોદ્દેદાર સામે લેખિત રજૂઆત, નિષ્પક્ષ તપાસની માંગ

Back to top button