પ્રેમીએ કરી હતી પ્રેમીકાની હત્યા, 35 વર્ષ બાદ ‘આત્મા’ એ ખોલ્યું રહસ્ય

Ahmedabad Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા ગુનાનો પર્દાફાશ કર્યો છે જે છેલ્લા સાડા ત્રણ દાયકાથી ધરબાયેલો હતો. વર્ષ 1992માં ગુમ થયેલી એક મહિલાની હત્યાનું રહસ્ય 35 વર્ષ બાદ સામે આવ્યું છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે જેસીબીની મદદથી જૂના કૂવાની ખુદાઈ શરૂ કરી છે, જ્યાં મહિલાના અવશેષો દફન હોવાની આશંકા છે.
પ્રેમ પ્રકરણ અને હત્યાની કહાની
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલાનું નામ ફરઝાના ઉર્ફે શબ્નમ હતું, જે મુંબઈથી અમદાવાદમાં શમશુદ્દીન નામના વ્યક્તિના ઘરે આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ કોઈ પારિવારિક વિવાદને કારણે શમશુદ્દીને તેની હત્યા કરી નાખી હતી. પુરાવા મિટાવવા માટે તેણે લાશને પોતાના ઘર પાસેના કૂવામાં દાટી દીધી હતી. આરોપી શમશુદ્દીનનું હવે મૃત્યુ થઈ ચૂક્યું છે.
‘ભ્રમ’ અને તાંત્રિક વિધિએ ખોલ્યું રહસ્ય
આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. પરિવારના સભ્યોને મૃતક ફરઝાનાનો વારંવાર ભ્રમ થવા લાગ્યો અને તેઓ માનસિક તણાવમાં આવી ગયા. આ પરેશાનીથી બચવા પરિવારે તાંત્રિકો અને તોટકાઓનો સહારો લીધો. આ દરમિયાન કેટલીક કડીઓ મળી જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી અને પોલીસે વર્ષો જૂનો કેસ ફરીથી ખોલ્યો.
પોલીસ કાર્યવાહી અને DNA ટેસ્ટ
ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ભાઈ રિઝવાન સહિત અન્ય સહ-આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. કૂવાની ખુદાઈ દરમિયાન કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ અને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા ખાતરી કરવામાં આવશે કે અવશેષો ફરઝાનાના જ છે કે નહીં. પોલીસે ફરઝાનાના પરિવારનો પણ સંપર્ક સાધ્યો છે.
35 વર્ષ બાદ સામે આવેલો આ કિસ્સો સાબિત કરે છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, સત્ય એક દિવસ બહાર આવે જ છે. હાલ આ મામલો સમગ્ર અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચોઃ મેદાન પર બેટર્સને હંફાવનાર ક્રિકેટર ખાઈ રહ્યો છે જીવન-મરણના ઝોલા, દિલ્હીની ICU માં દાખલ
આ પણ વાંચોઃ હવે ATMથી ઉપાડી શકાશે પીએફના નાણાં! પેન્શનમાં 7.5 ગણો વધારો થવાની શક્યતા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












