અમદાવાદમાં ફાયર NOCના નામ પર લૂંટ, ચીફ ઓફિસર વતી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વતી લાંચ વસૂલતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી છ બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે કુલ ₹36,000ની લાંચ માંગવામાં આવી હતી. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ACBએ મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
લાંચની માંગણી અને ટ્રેપ
ફરિયાદ કરનારે શહેરની છ જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલાએ પ્રતિ NOC ₹6,000 લેખે કુલ ₹36,000ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ન માગતા જાગૃત નાગરિકે વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
7 ઑગસ્ટે બે સરકારી પંચોની હાજરીમાં મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર ACBની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે વાતચીત કરીને જેવા ₹36,000 સ્વીકાર્યા કે તુરંત જ ACBના અધિકારીઓએ તેને ઘેરીને ઝડપી લીધો હતો.
ચીફ ફાયર ઓફિસરની પણ ધરપકડ
પૂછપરછમાં સ્પષ્ટ થયું કે અમિત ડોંગરે NOC મંજૂર કરવાના બદલામાં પોતાના વહીવટદાર ભાવસિંહ ઝાલા મારફતે લાંચ વસૂલવાનું રેકેટ ચલાવતા હતા. ફાયર સેફ્ટી અંગે જે પણ લેવડ-દેવડ કરવાની હોય તેના માટે ભાવસિંહને જ મળવા જણાવાતું હતું. વચેટિયાની ધરપકડ અને તેની પૂછપરછમાં લાંચનું નેટવર્ક સામે આવ્યા બાદ ACBની ટીમે AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ કરી લીધી છે.
પહેલીવાર બહારથી નિમણૂક
ઓક્ટોબર 2024માં મ્યુનિસિપલની પરીક્ષામાં પાસ થયેલા અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર સ્ટાફના સભ્યને બદલે બહારથી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરાઈ હતી. આ નિમણૂક બાદ હવે તેમની સામે આવા ગંભીર આરોપ સામે આવ્યા છે.
આ પણ વાંચો: વઢવાણના નગરા ગામમાં મોટી દુર્ઘટના, નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના મોત












