ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં મધરાતે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર કૂદી ઝાડ સાથે અથડાતા કારના ફૂરચા ઉડ્યા, ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

Ahmedabad: અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર મધરાતે સર્જાયેલા ગંભીર અકસ્માતે શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ઉસ્માનપુરા વિસ્તારમાં પૂરઝડપે દોડતી ટાટા સફારી કાર અચાનક બેકાબૂ બની ડિવાઈડર કૂદીને રસ્તાની સામે આવેલી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા અને વાહન સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત બન્યું હતું. ઘટનામાં કારમાં સવાર યુવકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર, અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા પાંચ યુવકો રાત્રિના સમયે નાસ્તો કરવા માટે ટાટા સફારી કાર લઈને આશ્રમ રોડ તરફ નીકળ્યા હતા. કારમાં અયાન, આફતાબ, વકાર, સાહિલ અને તમીમ નામના યુવકો સવાર હતા. કાર તમીમ ચલાવી રહ્યો હતો. રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાના સમયે તેઓ ઉસ્માનપુરાથી વાડજ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદીને સામેની બાજુએ જઈ ઝાડ સાથે જોરદાર અથડાયું હતું.

અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારની હાલત જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજ આવી રહ્યો હતો. ટાટા સફારીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એરબેગ પણ ખુલી ગઈ હતી. ઘટનામાં અયાન, સાહિલ અને આફતાબને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી બાબત સામે આવી હતી. અકસ્માતગ્રસ્ત સફારી કારમાંથી ડ્રાઈવર સીટ પાસે દારૂની બોટલ મળી આવી હતી. જેના કારણે અકસ્માત સમયે ડ્રાઈવર દારૂના નશામાં હતો કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઘટનાસ્થળની નજીક એક ક્રેટા કાર પણ અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેના કારણે પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે બંને કાર વચ્ચે રેસ ચાલી રહી હતી કે કેમ. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરી રહી છે જેથી અકસ્માત પહેલાં બંને વાહનોની હિલચાલ અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.

પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને વાહનોને કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં વધતા મોડીરાત્રિના સ્ટન્ટ અને રેસિંગના બનાવોને લઈને પણ હવે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: કોણ હતી ટ્વિશા શર્મા? મિસ પુણેથી એક્ટિંગ સુધીની સફર, લગ્નના પાંચ મહિનામાં રહસ્યમય મોત

 

 

Back to top button