અમદાવાદ: ઓઢવમાં AMCના અણધાર્યા ખોદકામને કારણે AMTS બસ ફસાઈ

અમદાવાદ, 6 ડિસેમ્બર 2025: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ઓઢવના વિવેકાનંદ ચોક પાસે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસી)ના સીવરેજ લાઈનના કામ માટે રાતોરાત ખોદીને તાજુ પુરાણ કર્યું હતુ અને ન તો બેરિકેડ કરવામાં આવ્યા કે ન તો ચેતવણીના બોર્ડ મુકાયા. પરિણામે એમટીએસની બસ રોડ પર ફસાઈ ગઈ હતી.
આ ઘટનાથી ઓઢવનો મુખ્ય ચાર રસ્તો લગભગ ત્રણ કલાક સુધી પૂર્ણપણે બંધ રહ્યો. વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી અને લોકોએ ગંતવ્ય સુધી પહોંચવા વૈકલ્પિક રસ્તાઓનો સહારો લીધો. ટ્રાફિક પોલીસે મોડેથી પહોંચીને વ્યવસ્થા સંભાળી ત્યાર બાદ બસને બહાર કાઢી, જેમાં બસનું આગળનું એક્સલ અને ચેસિસને ભારે નુકસાન થયું છે.
સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સીવરનું કામ ચાલે છે, પણ રાત્રે ખોદીને જેમ તેમ પુરાણ કરી દેવામાં આવે છે અથવા સવારે ખાડા ખુલ્લા છોડી દે છે. આજે બસ ફસાઈ, કાલે કોઈનો જીવ જઈ શકે.”
આ પણ વાંચો: ચાંગોદરમાં અમૃતા પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ; લાખોનું નુકસાન












