ચાંગોદરમાં અમૃતા પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ; લાખોનું નુકસાન

અમદાવાદ, 6 ડિસેમ્બર 2025: અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC વિસ્તારમાં આવેલી જાણીતી અમૃતા પાપડ કંપનીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઊંચી જ્વાળાઓ અને ગાઢ કાળા ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
સ્થાનિક લોકોની સૂચના મળતાંની સાથે જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચાંગોદર પોલીસ સ્ટળ પણ તુરંત હાજર થઈ અને ટ્રાફિક નિયંત્રણ તેમજ રાહત કાર્યમાં સહયોગ આપ્યો હતો. લગભગ બે કલાકની કઠિન મશક્કત બાદ ફાયર ફાઈટર્સે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીના પ્રોડક્શન વિભાગમાં આગની શરૂઆત થઈ હતી. ત્યાં મોટા પ્રમાણમાં પાપડ, મસાલા અને પેકિંગ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓએ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. જોકે, મશીનરી, કાચો માલ અને તૈયાર માલ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આગનું મુખ્ય કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજની શક્યતા છે. ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.












