AMCનો મોટો નિર્ણય: કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ બુકિંગ માટે હવે કંકોતરીની જરૂર નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નાગરિકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લગ્ન, સગાઈ અથવા અન્ય સામાજિક પ્રસંગો માટે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવવા માટે કંકોતરી અથવા આમંત્રણ પત્રિકા રજૂ કરવી ફરજિયાત રહેશે નહીં. સ્થાયી સમિતિની બેઠકમાં આ શરત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી હોલ અથવા પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવતી વખતે કાર્યક્રમના પુરાવા તરીકે આમંત્રણ પત્રિકા રજૂ કરવી પડતી હતી. પરંતુ ઘણા કિસ્સામાં સ્થળ નક્કી થયા બાદ જ કંકોતરી છપાતી હોવાથી નાગરિકોને મુશ્કેલી પડતી હતી. બીજી તરફ, બુકિંગમાં વિલંબ થવાને કારણે મનપસંદ તારીખ અથવા સ્થળ ઉપલબ્ધ ન રહે તેવી સમસ્યા પણ ઊભી થતી હતી. હવે આ નિયમ રદ થતાં બુકિંગ પ્રક્રિયા વધુ સરળ બનશે.
92 કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ માટે નવી પોલિસી
અમદાવાદ શહેરમાં આવેલા આશરે 92 કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે AMC નવી નીતિ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપવા અંગે વિચારણા ચાલી રહી છે.
રમત-ગમત સંકુલોની જેમ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટને પણ PPP મોડેલ હેઠળ ચલાવવાની શક્યતા અંગે સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બાબતે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
AMC દ્વારા તમામ હોલ અને પાર્ટી પ્લોટની આવક, જાળવણી ખર્ચ, સુરક્ષા, સફાઈ, વીજળી સહિતની ટેકનિકલ અને નાણાકીય વિગતો એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ નવી પોલિસીનો આખરી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
વર્ષે 40 કરોડનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
સ્થાયી સમિતિના જણાવ્યા મુજબ, વર્ષ 2018 પહેલા શહેરના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરો મારફતે કરવામાં આવતું હતું. તે સમયે કોર્પોરેશનને આ વ્યવસ્થાથી દર વર્ષે આશરે 10 કરોડ રૂપિયાની આવક થતી હતી.
હાલમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની સુરક્ષા, લાઇટ, સફાઈ અને અન્ય જાળવણી પાછળ AMCને દર વર્ષે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ વધતા નાણાકીય બોજને ઘટાડવા માટે ફરીથી ખાનગી ભાગીદારી આધારિત મોડેલ પર વિચારણા કરવામાં આવી રહી છે.
સામાન્ય લોકો માટે વાજબી ભાવ રાખવાની યોજના
નવી નીતિ અમલમાં આવે તો ખાનગી સંચાલન છતાં સામાન્ય નાગરિકોને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે AMC ભાવ નિયંત્રણ રાખવાની તૈયારી કરી રહી છે.
આ માટે અલગ-અલગ પ્રકારની સુવિધાઓ મુજબ ત્રણ પેકેજ તૈયાર કરવાની યોજના છે. આ પેકેજમાં હોલનું ભાડું, ડેકોરેશન અને અન્ય સુવિધાઓ માટે મહત્તમ દર નક્કી કરવામાં આવી શકે છે.
AMCનો ઉદ્દેશ એક તરફ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની સુવિધાઓ વધુ સારી બનાવવાનો છે, જ્યારે બીજી તરફ કોર્પોરેશન પર પડતો વાર્ષિક કરોડો રૂપિયાનો ખર્ચ ઘટાડવાનો છે.
હાલ તો કંકોતરી રજૂ કરવાની ફરજિયાત શરત રદ થવાથી લગ્ન કે અન્ય પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવતા અમદાવાદીઓ માટે પ્રક્રિયા વધુ સરળ બની છે.
આ પણ વાંચો: ‘જય જય મોદી, હર હર મોદી’: દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં પીએમ મોદીના કટઆઉટની આરતી ઉતારી












