ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘જય જય મોદી, હર હર મોદી’: દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં પીએમ મોદીના કટઆઉટની આરતી ઉતારી

દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા (PCI)ના પરિસરમાં ગુરુવાર, 20 ઑગસ્ટે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ સામે આરતી કરવામાં આવી અને તેમના નામે તૈયાર કરવામાં આવેલી ‘ભગવાન શ્રી નરેન્દ્ર મોદી ચાલીસા’નો પાઠ કરવામાં આવ્યો. કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીને ભગવાન સમાન દર્શાવતું કટઆઉટ મૂકવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકો દ્વારા ‘જય જય મોદી, હર હર મોદી’ જેવા નારા સાથે આરતી અને ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બિહાર સ્ટેટ ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડના ઉપાધ્યક્ષ રાજન સિંહ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

પ્રેસ ક્લબે કહ્યું- અમારો કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી

ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમનું આયોજન PCI દ્વારા કરવામાં આવ્યું નહોતું. ક્લબના જણાવ્યા પ્રમાણે બહારની એક સંસ્થાએ પ્રેસ કોન્ફરન્સ યોજવાના હેતુથી હોલ ભાડે લીધો હતો, પરંતુ બાદમાં હોલના ઉપયોગની શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું ધ્યાનમાં આવતાં ક્લબના અધિકારીઓએ હસ્તક્ષેપ કરીને કાર્યક્રમ અટકાવ્યો હતો.

આયોજન ‘નમઃ ભારત’ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જોકે, કાર્યક્રમ PCIના પરિસરમાં યોજાયો હોવા છતાં પ્રેસ ક્લબે તેની સાથે કોઈ સંસ્થાકીય સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.

રાજન સિંહે PM મોદીનું મંદિર બનાવવાની કરી છે જાહેરાત

કાર્યક્રમમાં હાજર રાજન સિંહ અગાઉ પણ વડાપ્રધાન મોદીના નામે મંદિર બનાવવાની જાહેરાતને કારણે ચર્ચામાં આવ્યા હતા. તાજેતરના મીડિયા અહેવાલો પ્રમાણે તેમણે બિહારમાં વડાપ્રધાન મોદીને સમર્પિત મંદિર બનાવવાની વાત કરી છે અને તેના નિર્માણ માટે આશરે ₹112 કરોડના ખર્ચનો દાવો કરવામાં આવ્યો છે.

આ મંદિરનું નિર્માણ શરૂ થાય તે પહેલાં જ દિલ્હીમાં ‘મોદી ચાલીસા’નો પાઠ અને આરતીનો કાર્યક્રમ યોજાતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

અગાઉ PM મોદીને શ્રીરામનો અવતાર ગણાવી ચૂક્યા છે

રાજન સિંહ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામ સાથે સરખાવી ચૂક્યા હોવાનું જણાવાયું છે. તેમનો દાવો રહ્યો છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને મળેલા અધિકારો અને તકોમાં કેન્દ્ર સરકારની મહત્વની ભૂમિકા રહી છે. દિલ્હી ખાતેના કાર્યક્રમ બાદ પણ તેમણે વડાપ્રધાન મોદીના સન્માનમાં મંદિર બનાવવાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પરિસરમાં વડાપ્રધાનના કટઆઉટની આરતી અને ‘મોદી ચાલીસા’ના પાઠના વીડિયો સામે આવ્યા બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ આયોજકો તેને વડાપ્રધાન પ્રત્યેના સન્માન અને આસ્થાની અભિવ્યક્તિ ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ PCIએ સ્પષ્ટ કર્યું છે કે તેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું નહોતું અને હોલ ભાડે આપવાની શરતોના ભંગ બાદ કાર્યક્રમ રોકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો

Back to top button