ગુજરાતટ્રેન્ડિંગ

પ્લેન દુર્ઘટનાના એક વર્ષ બાદ તપાસ પર શંકા, પાઈલોટ એસોસિએશને ઉઠાવ્યા પ્રશ્નો

Gujarat Plane Crash: અમદાવાદમાં ગયા વર્ષે 12 જૂને થયેલા એર ઇન્ડિયા વિમાન અકસ્માતને આશરે એક વર્ષ વીતી ગયું છે, પરંતુ આ ભયાનક દુર્ઘટનામાં પોતાના વ્હાલાઓને ગુમાવનારા 260 લોકોના પરિવારોનું અસહ્ય દુઃખ આજે પણ તેમના આંસુઓમાં છલકાઈ આવે છે. એઅર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 ની એ કાળઝાળ દુર્ઘટનાએ કેટલાય હસતા-રમતા પરિવારોને એવા ઘા આપ્યા છે જે ક્યારેય રૂઝાય તેમ નથી. આજે પણ આ અકસ્માતની યાદથી લોકો ધ્રૂજી ઉઠે છે. કેટલાક લોકો આજે પણ ફ્લાઇટમાં બેસતા ડરે છે, તો કેટલાક આ ઊંડા આઘાતમાંથી બહાર આવવા માટે કાઉન્સિલિંગ અને થેરાપીનો સહારો લઈ રહ્યા છે.

આ મામલે ચાલી રહેલી તપાસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ‘ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશન’ના પ્રમુખ સી. એસ. રંધાવાએ મીડિયા સમક્ષ તપાસ પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા છે.

તેમણે તકનીકી પાસાંઓ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈપણ વિમાનના નિર્માણમાં તેની બોડી (બનાવટ), કમ્પ્યુટર સિસ્ટમ અને એન્જિન તૈયાર કરનારી કંપનીઓ અલગ-અલગ હોય છે. અમદાવાદ દુર્ઘટનાનો ભોગ બનેલા પ્લેનના આ ત્રણેય મુખ્ય ભાગો અમેરિકાની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, દુર્ઘટનાની શરૂઆતી તપાસમાં જ આ ત્રણેય વિદેશી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વહીવટી સ્તરે ‘ક્લીનચીટ’ આપી દેવામાં આવી છે, જ્યારે DGCAના પ્રાથમિક અહેવાલ મુજબ પ્લેનની ‘ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચ’માં ખામી સર્જાઈ હતી.

પાઈલોટ એસોસિએશને કાયદાકીય સ્તરે લડવાનો નિર્ણય કર્યો

તપાસની આ વિસંગતતાઓ અને તટસ્થતા સામે આક્રોશ વ્યક્ત કરતા, એસોસિએશને આ મામલાને કાયદાકીય સ્તરે લડવાનો નિર્ણય કર્યો છે. પ્રમુખ રંધાવાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત પાયલોટના પિતાને સહ-અરજદાર બનાવીને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેથી સમગ્ર ઘટનાની ઊંડી અને નિષ્પક્ષ તપાસ થઈ શકે.

“જો આવી દુર્ઘટનાઓની તટસ્થ તપાસ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવે, તો ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતોને ચોક્કસપણે નિવારી શકાય.” અગાઉ બનેલી બેંગ્લોર પ્લેન ક્રેશ દુર્ઘટનાનો હવાલો આપતા નિષ્ણાતો જણાવે છે કે, તે સમયે પણ પ્રાથમિક તપાસના નામે સમગ્ર અકસ્માતનો દોષ દિવંગત પાયલોટના માથે જ મઢી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે, જ્યારે પણ કોઈ મોટી વિમાન દુર્ઘટના સર્જાય છે અને તેમાં જો પાયલોટ જીવિત ન બચે, ત્યારે વહીવટી તંત્ર કે તપાસ એજન્સીઓ પાયલોટની ભૂલ (Human Error) ગણાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.

ખરેખર તો, આવી ઘટનાઓ પાછળના ટેકનિકલ કારણો, મેન્યુફેક્ચરિંગ ખામીઓ કે સિસ્ટમની નિષ્ફળતાની ઊંડી તપાસ થવી અનિવાર્ય છે. જો યોગ્ય પુરાવા એકત્રિત કરીને મૂળ ખામી સુધી પહોંચવામાં આવે, તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય છે. એટલું જ નહીં, જે વિમાનોમાં આવી તકનીકી ખામીઓ જોવા મળે, તેને તાત્કાલિક ધોરણે ઓપરેશનમાંથી હટાવીને (ગ્રાઉન્ડ કરીને) મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના કિંમતી જીવ બચાવી શકાય છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પ્લેન ક્રેશના ડેટા ડિકોડિંગ અને તપાસની ધીમી ગતિ પર સવાલો

ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશનના પ્રમુખ સી.એસ. રંધાવાએ તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ‘એન્જિન હેલ્થ રિપોર્ટ’ જાહેર કરવાની માંગ કરી છે. અકસ્માતગ્રસ્ત વિમાનના એન્જિનનો હેલ્થ ડેટા ફ્લાઇટ દરમિયાન સતત બોઇંગ કંપની અને એર ઇન્ડિયાને મોકલવામાં આવતો હતો. રંધાવાએ જણાવ્યું કે, જો બોઇંગ કંપની આ ડેટા ડિકોડ કરીને સાર્વજનિક કરે, તો પાયલોટની ભૂલ હતી કે કોઈ મોટી ટેકનિકલ ખામી, તે સ્પષ્ટ થઈ શકે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ હોવાથી પૂરતા કારણદર્શક પુરાવા વિનાનો અહેવાલ સ્વીકારી શકાય નહીં, કારણ કે ભવિષ્યમાં આ રિપોર્ટને વિશ્વના જુદા જુદા દેશોની અદાલતોમાં પડકારવામાં આવી શકે છે.

એક વર્ષ પછી પણ અહેવાલ અધૂરો અને વળતર અંગે વિવાદ

દુર્ઘટનાને આખું એક વર્ષ વીતી ગયું હોવા છતાં તપાસનો અંતિમ રિપોર્ટ હજી સુધી જાહેર કરાયો નથી. બીજી તરફ, એર ઇન્ડિયા મૃતકોના પરિવારોને વળતર આપવા માટે કાનૂની દબાણ લાવી રહી છે. કંપની એવી એફિડેવિટ (સોગંદનામું) માંગી રહી છે કે ભવિષ્યમાં પરિજનો કોઈ કાનૂની કેસ નહીં કરે, જે તદ્દન અયોગ્ય અને અન્યાયી છે. આ ઉપરાંત, તપાસ એજન્સીઓની ગંભીરતા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે; પાયલોટનું માનસિક સંતુલન તપાસવા માટે એજન્સીઓ તુરંત તેમના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ આ અકસ્માતમાં જીવિત બચેલા એકમાત્ર પ્રવાસી, વિશ્વાસ કુમારની પૂછપરછ છેક 10 મહિના પછી કરવામાં આવી!

આ પણ વાંચો: શું સફેદ વાળ ખરેખર ફરી કુદરતી રીતે કાળા થઈ શકે? હેર એક્સપર્ટ જણાવી હકીકત

આ પણ વાંચો:IRCTC યુઝર્સ માટે ખુશખબર! 15 જુલાઈ સુધીમાં લોન્ચ થશે નવી વેબસાઇટ

Back to top button