અમદાવાદ: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 મહિનાનું બાળક બટન સેલ ગળી ગયો

- બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું
- બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવ્યો
- બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેમની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો.
અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી
અમદાવાદના રહેવાસી રાઘવભાઈના 5 મહિનાના બાળક અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી. ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું. માતા-પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા, તેઓ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. બાળકની સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે ત્વરિત પગલાં લીધા હતા. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ, ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક ધોરણે બાળકની એન્ડોસ્કોપીની પ્રક્રિયા હાથ ધરી હતી.
બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો
એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી ગયા હતા. સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ કિસ્સાની ગંભીરતા જણાવતા કહ્યું કે, સમયસર સેલ દૂર ન થયો હોત તો બેટરીના કેમિકલથી અન્નનળીમાં છિદ્ર થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી. એક અંગત હોસ્પિટલમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડોક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી છે.












