
Ahmedabad News: અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. બાળકીના પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ સીધા જ પોલીસ દ્વારા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. પૂછપરછ દરમિયાન વિમલનું બ્લડ પ્રેશર વધી જતાં તબીબી સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ હવે વધુ સક્રિય બની છે અને પરિવારના સભ્યોની વિગતવાર પૂછપરછ ચાલુ છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝામાંથી લાવવામાં આવેલા ઢોસાના ખીરા બાદ બે બાળકી રાહા અને મિશ્રીના શંકાસ્પદ મોતની ઘટનામાં તપાસ દિવસે દિવસે વધુ જટિલ બની રહી છે. આ કેસમાં હવે નવા તથ્યો સામે આવી રહ્યા છે, જે પરિવારની અંદરની પરિસ્થિતિ તરફ પણ ઈશારો કરે છે.
હાલ સારવાર હેઠળ રહેલા પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી જતા તબીબી નજર રાખવી પડી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રાથમિક તપાસમાં વિમલ અને તેમની પત્ની ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંક જેવા ઝેરી તત્ત્વોની હાજરી મળી આવી છે, જે તપાસને વધુ ગંભીર બનાવે છે. બીજી તરફ, ઘરમાંથી મળેલી એક ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ માટેની પ્રાર્થના અને ધાર્મિક માનતાઓનો ઉલ્લેખ મળ્યો છે, જે સંભવિત માનસિક અને પારિવારિક દબાણ તરફ સંકેત આપે છે.
પોલીસ હાલ બે મુખ્ય દિશામાં તપાસ કરી રહી છે, એક તો ખીરામાં કોઈ ઝેરી પદાર્થ હતો કે નહીં, અને બીજી તરફ પરિવારની અંદરની સ્થિતિ, જેમ કે આર્થિક સંકડામણ, ઘરેલુ વિવાદ અથવા પુત્ર પ્રાપ્તિની ઇચ્છા. જોકે, ડેરીના માલિક અને કર્મચારીઓના નિવેદન મુજબ ખીરું ખાધા બાદ અન્ય કોઈ ગ્રાહકને કોઈ તકલીફ થઈ નથી.
વધુમાં, વિમલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે ઘઉંમાં નાખવા માટે સેલ્ફોસની 10 પડીકી લાવ્યો હતો, જેમાંથી 8નો ઉપયોગ થઈ ગયો હતો. આ મુદ્દો પણ તપાસનો મહત્વનો ભાગ બન્યો છે. પોલીસ દ્વારા હવે CCTV ફૂટેજના આધારે વિમલની હલચલને મિનિટ ટુ મિનિટ ચકાસવામાં આવી રહી છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે ખીરું લાવ્યા બાદ તે સીધો ઘરે ગયો હતો કે વચ્ચે ક્યાંક રોકાયો હતો. આ કેસમાં અંતિમ સત્ય બહાર લાવવા માટે હવે FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જે પછી જ આ દુઃખદ ઘટનાનું સાચું કારણ સામે આવી શકશે.
આ પણ વાંચો: યમુના નદીમાં બોટ પલટી, 6 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ગુમ












