ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Abhishesk Sharma એ રચ્યો ઇતિહાસ, સૂર્યકુમાર યાદવને રાખ્યો પાછળ

બ્રિસ્બેન, તા. 8 નવેમ્બર, 2025: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ ટી20 વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થતાં જ ભારતે સીરિઝ 2-1થી જીતી હતી. શનિવારે રમાયેલી છેલ્લી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 4.5 ઓવરની રમત થઈ શકી, જેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલે 52 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદના કારણે મુકાબલો રદ્દ થયો હતો.

આ દરમિયાન ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો કિર્તીમાન પોતાના નામે કર્યો હતો. તેણે માત્ર 528 બોલમાં પોતાના 1000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી લીધા, જે કોઈપણ ફૂલ-મેમ્બર (ટોચની 10 ટીમો) ટીમના બેટ્સમેન માટે સૌથી ઝડપી સિદ્ધિ છે. આ મામલે તેણે સૂર્યકુમાર યાદવ (573 બોલ) અને ફિલ સોલ્ટ (599 બોલ) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

આ ઉપરાંત, ભારતીય બેટ્સમેનોમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરવાના મામલે પણ અભિષેક બીજા સ્થાને આવી ગયો છે. તેણે આ મુકામ માત્ર 28 ઇનિંગ્સમાં હાંસલ કર્યો. તેનાથી આગળ માત્ર વિરાટ કોહલી (27 ઇનિંગ્સ) છે, જ્યારે કેએલ રાહુલ (29) અને સૂર્યકુમાર યાદવ (31) તેના પછી છે.

અભિષેકને બે જીવનદાન મળ્યા

અભિષેકને શરૂઆતની ચાર ઓવરોમાં જ બે જીવનદાન મળ્યા. પહેલી ઓવરના ચોથા બોલ પર અભિષેકે સુંદર ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદના બોલ પર તે ફરીથી મોટો શોટ રમવા ગયો હતો. જોકે, બોલ મિડ-ઑફ પર ઊભેલા મેક્સવેલ પાસે પહોંચ્યો, પરંતુ તેણ કેચ પડતો મૂક્યો હતો. આ રીતે અભિષેકને પહેલું જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ, ચોથી ઓવરમાં નાથન એલિસના બોલ પર અભિષેકે ફાઇન લેગ પર શોટ રમ્યો હતો, પરંતુ બોલ ડ્વારશુઈસના હાથમાંથી પણ છટકી ગયો. તે સમયે તે 11 રન પર હતો.

Back to top button