અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રથયાત્રામાં જોવા મળ્યો અનોખો ફેરફાર, ગજરાજોની સુરક્ષામાં નવો પ્રયોગ

Unique Change in The Rath Yatra : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આસ્થા, પરંપરા અને કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ભવ્ય રીતે આગળ વધી રહી છે. આ વર્ષની યાત્રામાં 18 ગજરાજોની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને મહંત દિલીપદાસજી મહારાજની આગવી ઉપસ્થિતિ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે.

રથયાત્રાના અગ્રભાગમાં 18 ગજરાજોએ પરંપરા મુજબ આગેવાની સંભાળી હતી. ખાસ વાત એ રહી કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ગજરાજોની સાથે પગપાળા આગળ વધતા જોવા મળ્યા. પરંપરાગત સ્વાગત સમારોહોમાં રોકાયા વિના તેઓ સીધા યાત્રાના પ્રવાહ સાથે જોડાયેલા રહ્યા, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુરક્ષામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો

ગયા વર્ષે એક ગજરાજ બેકાબૂ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ગજરાજોના પગમાં સુરક્ષાત્મક સાંકળ બાંધવામાં આવી છે અને દરેક હાથી સાથે અનુભવી મહાવતોની ટીમ સતત તૈનાત રાખવામાં આવી છે. ઉપરાંત હાથીઓની આસપાસ બેન્ડબાજા, ઊંચા અવાજનું સંગીત અથવા ફટાકડાનો સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના અવાજથી ગભરાય નહીં.

આ વર્ષે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે ગજરાજ પર મહાવત સિવાય અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવી નથી. સુરક્ષા અને નિયંત્રણને પ્રાથમિકતા આપતા આ વ્યવસ્થાને પ્રશંસા મળી રહી છે.

ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ પગપાળા જોડાયા

રથયાત્રામાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ પગપાળા જોડાયા હતા. બીજી તરફ, સમગ્ર યાત્રા માર્ગ પર હજારો ભક્તોએ રસ્તાની બંને બાજુ ઊભા રહી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. “જય જગન્નાથ”ના ગગનભેદી નાદ વચ્ચે અમદાવાદનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને રથયાત્રાએ આસ્થા, પરંપરા અને સુવ્યવસ્થિત આયોજનનો અનોખો સંદેશ આપ્યો.

આ પણ વાંચો : જીવન બહું કિંમતી છે: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

Back to top button