ગુજરાતટ્રેન્ડિંગ

શંકાનો ભયંકર અંત: મુંદ્રામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું

કચ્છ, મુંદ્રા, 28 નવેમ્બર, 2025: કચ્છના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વયોવૃદ્ધ પતિએ પોતાની પત્ની પર ખોટી શંકા રાખીને છરીના ઘા ઝીંકીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પતિએ પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા એક હસતા-રમતા પરિવારનો કરૂણ અંજામ આવ્યો છે. આ ડબલ મર્ડર-સુસાઇડની ઘટનાથી સમગ્ર મુંદ્રા પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

ઝરપરાના લૈયારા વાડી વિસ્તારમાં કરૂણાંતિકા

મુંદ્રા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આ કરૂણાંતિકા ઝરપરા ગામના લૈયારા વાડી વિસ્તારમાં ગત રાત્રિના મધ્યાંતરથી આજ સવારના અરસામાં બની હતી. મૃતક દંપતીની ઓળખ સવરાજ જખા સેડા (ગઢવી) અને તેમની પત્ની હીરબાઈ તરીકે કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, શંકાશીલ અને ઝનૂની સ્વભાવના સવરાજ જખા સેડાએ ગત મધરાત્રે પોતાની પત્ની હીરબાઈ પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઘા ઝીંકીને તેમની હત્યા કરી નાખી હતી. વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યે આ બનાવની જાણ થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યા કર્યા બાદ સવરાજ ઘરેથી ફરાર થઈ ગયો હતો.

પુત્રએ પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આ ડબલ કરૂણાંતિકાના મૂળમાં રહેલો ચોક્કસ વેહમ પુત્રની ફરિયાદ પરથી સામે આવ્યો છે. મૃતક હીરબાઈના પુત્ર વાલજીએ આજે સવારે મુંદ્રા પોલીસ મથકે પોતાના પિતા સવરાજ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

પુત્ર વાલજીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા સવરાજને એવી દ્રઢ અને ખોટી શંકા હતી કે તેમની પત્ની હીરબાઈ અને બંને દીકરા એકસંપ થઈને તેમની જમીનમાંથી નામ કઢાવી નાખશે અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. આ જ ખોટી વહેમ અને શંકાને કારણે સવરાજ અવારનવાર ઘરમાં ઝઘડાઓ કરતા હતા. આખરે આ ખોટી શંકાએ એક પરિવારનો ભોગ લઈ લીધો.

પોલીસની શોધખોળ અને આત્મહત્યા

પુત્ર વાલજીની ફરિયાદ નોંધાયા બાદ મુંદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે હીરબાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંદ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો અને ફરાર આરોપી પતિ સવરાજની શોધખોળ શરૂ કરી હતી.

જોકે, ફરાર પતિ સવરાજ જખા સેડા લાંબો સમય છૂપો ન રહી શક્યો. આજે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં, ઘટના સ્થળેથી થોડેક જ દૂર આવેલા નદીના પટના વગડામાંથી એક ઝાડ પરથી સવરાજની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસે સવરાજનો મૃતદેહ પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખોટી શંકા અને વહેમમાં એક જ પરિવારના પતિ-પત્નીના મૃત્યુની આ કરૂણ ઘટનાથી ઝરપરા ગામ અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે

Back to top button