રાજકોટમાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકાનું જઘન્ય કૃત્ય, 4 વર્ષની બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં બોલપેન ઘુસેડી

રાજકોટ, 19 એપ્રિલ : રાજકોટમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતા બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતા માતાને જાણ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, રેલનગરની એક ખાનગી ઇન્ટરનેશનલ સ્કૂલનો આ બનાવ છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત એવી છે કે, 4 વર્ષની બાળકી તેના પરિવાર સાથે રેલનગર વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. પિતા પીજીવીસીએલમાં અધિકારી છે. હજુ ગયા વર્ષે જૂન મહિનામાં આ માસુમ બાળકીને કેજી નર્સરીમાં બેસાડવા માતા પિતાએ નક્કી કર્યું હતું. દીકરીને કોઈ સારી સ્કૂલમાં ભણાવવી હોવાથી રેલનગરમાં જ આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલના ઈંગ્લીશ માધ્યમાં કેજી નર્સરીમાં બાળકીનું એડમીશન કરાવ્યું હતું. તગડી ફી ભરી હતી.
આ દરમ્યાન ગત તા. 11ના રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે પોતાના માતાને કહ્યું કે, મને ગુપ્તાંગની જગ્યાએ દુ:ખે છે. જેથી ગરમીના કારણે બળતરા થતી હશે તેમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે ફરી સ્કૂલેથી આવી બાળકીએ ખૂબ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી માતાએ નીરખીને જોતા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો. કંઈક અજુગતું થયું છે તેવો વ્હેમ જતા માતાએ તુરંત બાળકીના પિતાને જાણ કરી પતિ પત્ની નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતા.
જ્યાં ડોકટરે તપાસતા બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી હતી. બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગની જગ્યાએ લગાવ્યું એ પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મુક્યો હતો. ખાનગીમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તા.16/4ના રોજ ડોકટરે એમએલસી જાહેર કરતા મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસે નિવેદન લીધું હતું. બસ પછી એફઆઈઆર નોંધી નહોતી. સૂત્રોએ જણાવ્યું કે, સ્કૂલના સીસીટીવી ચેક કરાયા હતા પણ કંઈ મળ્યું નહોતું. પિતાનો આક્ષેપ છે કે માત્ર એક જ દિવસના સીસીટીવી બતાવ્યા છે. પિતાએ જણાવ્યું કે, અમે બાળકીને પૂછીએ કે તને નીચેની જગ્યાએ બોલપેન મારી છે? તો બાળકી હા પાડે છે. પોલીસ કંઈ કરતી નથી. મેટર દબાવવા પ્રયાસ થયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો :- બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ઘરમાંથી અપહરણ કરી માર મારી મૃત્યુ નીપજાવ્યું












