ગુજરાત

AMTS-BRTS બસમાં એક જ ટિકિટ ચાલશે; ભવિષ્યમાં મેટ્રો, એસટી અને ઓલા-ઉબેરને પણ જોડી દેવાશે

19 ડિસેમ્બર 2026 અમદાવાદ; શહેરનાં જાહેર પરિવહન ક્ષેત્રે આજે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTS સેવાઓ માટે ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 470 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ અને હાઈટેક બનશે. આ વ્યવસ્થા એક વર્ષમાં ઉભી કરવામાં આવશે.

એક જ ટિકિટ કે કાર્ડથી બંને બસમાં મુસાફરી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રોજે રોજ 6 લાખથી વધુ નાગરિકો આ સેવાઓનો લાભ લે છે. નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મુસાફરોએ AMTS અને BRTS માટે અલગ-અલગ ટિકિટ લેવી પડશે નહીં. એક જ QR કોડ, ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા બંને બસ સેવાનો ઉપયોગ કરી શકાશે. આ સિસ્ટમમાં WhatsApp ચેટબોટની સુવિધા પણ હશે, જેનાથી મુસાફરો ઘરે બેઠા ટિકિટ મેળવી શકશે. AMTS અને BRTS બાદ મેટ્રો અને એસટી બસ તેમજ ઓલા ઉબેરમાં પણ આ એક જ ટિકિટ વિનવ્યો સિસ્ટમ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને 12 વર્ષ માટે રૂ. 470 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

 

ભવિષ્યમાં શહેરના તમામ પરિવહન માધ્યમો જેવા કે BRTS, AMTS, Metro અને ભવિષ્યના અન્ય સિસ્ટમ સાથે જોડવામાં આવશે. જે અંતર્ગત બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એમેનેક્સ ઈન્ફોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે તમામ પ્રકારના મેનપાવર અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

ભૂતકાળમાં જનમિત્ર કાર્ડ શરૂ કરાયા હતા પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો
ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ- ગવર્નન્સ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે બાદ અલગ અલગ કંપનીઓ દ્વારા ટેન્ડરમાં ભાગ લેવામાં આવ્યો હતો જે બાદ આ કંપનીનો L1 ભાવ આવતા તેને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કરાયો છે. જોકે ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનમિત્ર કાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં એક જ કાર્ડ ઉપર લોકો મુસાફરી કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જોકે આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક સંકલન અને કાર્યપદ્ધતિનો અભાવ જોવા મળ્યો હતો.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી હવે ટેકનોલોજીના માધ્યમથી લોકો ટિકિટ મેળવીને એક જ ટિકિટ પર જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરી શકે છે. ઓનલાઇન એપ્લિકેશન બનાવવામાં આવશે જે મારફતે ક્યુઆર કોડ સ્કેન કરી અને તેમાંથી ટિકિટ ખરીદી શકશે. તબક્કાવાર આ માટેની કામગીરી કરવામાં આવશે.

નવી સુવિધાથી મુસાફરોને શું ફાયદો થશે?

બસોના સારાં રૂટ અને સમયપત્રકથી લોકોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે.

બસ ક્યારે આવશે અને ક્યાં વિલંબ છે તેની લાઈવ માહિતી મળતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વિશ્વસનીય બનશે.

BRTS, AMTS અને મેટ્રો માટે એક જ કોમન કાર્ડથી મુસાફરી વધુ સરળ થશે.

QR કોડ, UPI અને મોબાઈલ એપ જેવી ડિજિટલ ટિકિટિંગથી ટિકિટ લેવી ખૂબ જ સરળ બનશે.

એક જ ટિકિટથી અલગ-અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં પુરી મુસાફરી કરી શકાશે.

વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ માટે મુસાફરી વધારે સરળ અને સુલભ બનશે.

રિયલ-ટાઈમ માહિતી મળવાથી લોકો પોતાનો પ્રવાસ સારી રીતે યોજના કરી શકશે.

નવા કેમેરા અને ટેક્નોલોજીથી લોકોને વધુ સુરક્ષા અને ભીડનું સારું નિયંત્રણ મળશે.

ફરિયાદોનો જવાબ વધુ ઝડપથી અને વધુ સારી રીતે મળી શકશે.

ઈમરજન્સીમાં તરત મદદ મળી રહે તે માટે સમગ્ર સિસ્ટમનું લાઈવ મોનિટરિંગ થશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે વપરાશે તો શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિક બંને ઓછા થશે.

ભાડા વસૂલાતમાં પારદર્શકતા વધશે, તેથી લોકોનો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વિશ્વાસ વધશે.

સરકારી અધિકારીઓને સચોટ માહિતી મળશે, જેથી સેવાઓ સતત સુધરતી જશે.

આખું પરિવહન તંત્ર વધુ જોડાયેલું અને સંકલિત બનશે, જેથી મુસાફરી વધુ સરળ બનશે.

Back to top button