વડોદરામાં પારુલ યુનિ.ની વિદ્યાર્થીઓને લઈને જતી બસ કાંસમાં ખાબકી

વડોદરા, 5 ફેબ્રુઆરી: 2025: વડોદરા નજીક અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે પર સયાજીપુરા પાસે આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીની બસ પલટી ખાઈ ગઈ હતી. સવારે વિદ્યાર્થીઓને યુનિ.માં લઇ જતી બસના ચાલકે વડોદરા ગ્રામ્યના સર્કિટ હાઉસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઇ હતી. આ ઘટનામાં બસ ચાલક સહિત બે વિદ્યાર્થીનીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં પારૂલ યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે લક્ઝરી બસની સુવિધા આપવામાં આવે છે. આજે સવારે નિયત રૂટ પર વિદ્યાર્થીઓને લઇને બસ વાઘોડિયા ખાતેના કોલેજ કેમ્પસમાં જઈ રહી હતી. આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા બે એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઈ હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બસમાં બેઠેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ અને ચાલક ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોને હાઈવે પરથી હટાવ્યા હતા અને અકસ્માતના મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.
આ પણ વાંચો..ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સોપો પડી ગયો, સુપ્રિટેન્ડેન્ટ અને પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયા












