વિદાય સમયે ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, કોલકાતા અને મરાઠાવાડામાં આભ ફાટ્યું, ચારે બાજુ પાણી જ પાણી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતોરાત ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આખુ શહેર અને આસપાસના વિસ્તારો થંભી ગયા હતા. વરસાદની વિવિધ ઘટનાઓમાં 10 લોકો માર્યા ગયા હતા. જેમાં નવ લોકો વીજ કરંટને કારણે માર્યા ગયા હતા. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પણ ભારે વરસાદ પડયો છે. વરસાદની વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા હતા. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે એવા સમયે જ કોલકાતાને વરસાદે ધમરોળ્યું હતું. કોલકાતામાં માત્ર 24 કલાકમાં જ 250 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે 1986 પછી આટલા ઓછા સમયમાં પડેલો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. જ્યારે 137 વર્ષ પછી એક જ દિવસમાં છઠ્ઠી વખત આટલો વરસાદ પડયો છે. આ પહેલા કોલકાતામાં 1978 માં 369 મીમી વરસાદ નોંધાયો હતો. ઠેરઠેર જળબંબાકારને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું. દરમિયાન વીજળીના અર્થિંગને કારણે જ નવ લોકો માર્યા ગયા હતા.
Scenes in kolkata after recieving 300+mm rainfall in few hours last night.
We need to prepare city drainage for atleast 400mm rainfall given the way weather is changing. pic.twitter.com/XU1lnfe4ON— Saurabh Kedia (@Saurabh1680) September 23, 2025
મરાઠાવાડામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ
બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો જેની સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા છે. અહેવાલો મુજબ મરાઠાવાડામાં છેલ્લા 50 વર્ષોનો સૌથી ભારે વરસાદ પડયો છે. જેને કારણે આવેલા પૂરમાં 159 ગામડાઓને અસર પહોંચી છે. આશરે 750થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. 33000 હેક્ટરમાં પાકનો નાશ થયો છે. ત્રણ પુલ તુટી પડયા છે જ્યારે બે શાળાઓ અને પાંચ નાના ડેમ તુટી ગયા છે.
Marathwada drowns again.
Homes gone. Fields gone. Lives gone.This is the same region with 520 suicides in just 6 months, 3 every single day even before the floods.
If this isn’t failure of policy & empathy, what is?#Marathwada #Floods #FarmersCrisis pic.twitter.com/uL6F1JUtNb
— Marziya Shanu Pathan (@marziyapathan) September 23, 2025
બંગાળ સરકારે કોલકાતામાં દુર્ગા પૂજા પહેલા જ શાળાઓ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે મે અગાઉ ક્યારેય પણ આવો વરસાદ નથી જોયો, આઠ લોકો કોલકાતામાં જ્યારે બે લોકો 24 પરગનામાં માર્યા ગયા છે. વીજળી પુરી પાડતી ખાનગી કંપની સીઇએસસીએ પીડિતોને પાંચ લાખનું વળતર આપવું જોઇએ. હું કોલકાતાના મેયર, રાજ્યના મુખ્ય સચિવ, વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું.
ફ્લાઈટ સેવાને થઈ અસર
કોલકાતામાં અનેક સ્થળે મેટ્રો સેવા બંધ કરી દેવાઇ હતી. 24 અને 25 તારીખ સુધી શાળાઓ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઇ છે. કોલકાતા એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે જેને કારણે ફ્લાઇટોની અવર જવર પર માઠી અસર પહોંચી હતી, અહેવાલો મુજબ આશરે 30 જેટલી ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે જ્યારે 42 જેટલી ફ્લાઇટ્સને વિલંબ થયો હતો. કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ બે કે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોલકાતામાં શહેરની સરેરાશ કરતાં 2663 ટકા વધુ વરસાદ પડ્યો છે. કોલકાતા ઉપરાંત, હાવડામાં તેના સરેરાશ વરસાદના 1006 ટકા અને ઉત્તર 24 પરગનામાં તેના સરેરાશ વરસાદના 857 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી બ્રત્ય બસુએ કહ્યું હતું કે વરસાદના કારણે 24 અને 25 સપ્ટેમ્બર તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.












