ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ₹66 લાખનું સ્મગલિંગ કરાયેલું સોનું ઝડપાયું: ગોધરાના યુવકની ધરપકડ

Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની ગેરકાયદેસર હેરાફેરીનો એક મોટો પર્દાફાશ કર્યો છે. કતાર એરવેઝની ફ્લાઇટ દ્વારા જેદ્દાહથી દોહા થઈને અમદાવાદ પહોંચેલા એક 24 વર્ષીય યુવક પાસેથી આશરે રૂ. 66 લાખની કિંમતનું સોનું પકડાયું છે. એરપોર્ટ પર તૈનાત કસ્ટમ્સ એઆઈયુ (AIU) ના અધિકારીઓને મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેની પ્રોફાઇલિંગના આધારે સઘન તપાસ કરી હતી, જેમાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

 સોનાની પેસ્ટ મળી આવી

તપાસ દરમિયાન સામે આવેલી મોડસ ઓપરેન્ડી જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આરોપીએ સોનાની તસ્કરી માટે પોતાના શરીરના ગુપ્ત ભાગ (મળાશય)નો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 467.09 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. ત્યારબાદ કસ્ટમ્સ ટીમે આ પેસ્ટને પ્રોસેસ કરીને 422.83 ગ્રામ વજનનો 24 કેરેટ શુદ્ધ સોનાનો બાર તૈયાર કર્યો હતો. જપ્ત કરાયેલા આ સોનાની વર્તમાન બજારકિંમત આશરે રૂ. 65.69 લાખ આંકવામાં આવી છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X 

 

ગોધરાના સરફરાઝ માલાની અટકાયત

આ મામલે કસ્ટમ્સ વિભાગે ગોધરાના નિવાસી સરફરાઝ માલા નામના યુવકની ધરપકડ કરી છે. કડક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે ગોધરાના અલ્તાફ નામના વ્યક્તિએ તેને સોનું લાવવાના બદલામાં 12 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી. આરોપી અગાઉ મુંબઈ અને હૈદરાબાદની પણ મુસાફરી કરી ચૂક્યો છે, પરંતુ સોનાની સ્મગલિંગ કરવાનો આ તેનો પહેલો જ પ્રયાસ હતો અને તે પહેલા જ પ્રયાસમાં પકડાઈ ગયો હોવાનો દાવો કર્યો છે. હાલ કસ્ટમ્સ વિભાગ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો:ફેસબુક-ઈન્સ્ટાગ્રામના અંતિમ દિવસો આવી ગયા? ભારતના કડક વલણ બાદ અમેરિકામાં પણ વધી મુશ્કેલીઓ

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, શુભમન ગિલ સંપૂર્ણ ફિટ

Back to top button