WhatsApp માટે હવે આપવા પડી શકે છે પૈસા! ફ્રી નહીં રહે આ ફીચર, Metaએ શોધ્યો કમાણીનો નવો રસ્તો

નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: WhatsAppના કરોડો યુઝર્સ માટે એક મોટો ઝટકો આવી શકે છે. Meta પોતાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp માટે પેઈડ સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં આ નવા ફીચરને WhatsAppના બીટા અપડેટમાં જોવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2009માં લોન્ચ થયેલ આ મેસેજિંગ પ્લેટફોર્મ હવે સંપૂર્ણ રીતે ફ્રી નહીં રહે.
ઉલ્લેખનીય છે કે WhatsApp લોન્ચ સમયે પહેલા એક વર્ષ માટે ફ્રી હતું અને ત્યારબાદ ₹55 વાર્ષિક ચાર્જ લાગુ કરવાની જાહેરાત થઈ હતી. જોકે, બાદમાં Metaએ આ એપને સંપૂર્ણપણે ફ્રી-ટુ-યૂઝ બનાવી દીધી હતી. હવે ફરી એકવાર WhatsAppને મોનેટાઇઝ કરવાની તૈયારી ચાલી રહી છે.
શું હવે WhatsApp ફ્રી નહીં રહે?
Android Authorityની રિપોર્ટ મુજબ, Meta Facebook અને Instagramની જેમ WhatsAppમાં પણ સબ્સક્રિપ્શન મોડલ લાવવાની તૈયારીમાં છે. આ પેઈડ ફીચર WhatsApp Status વિભાગમાં સ્પોટ થયું છે. નવા ફીચર હેઠળ યુઝર્સને એડ-ફ્રી સ્ટેટસ જોવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે.
રિપોર્ટ મુજબ, YouTubeની જેમ WhatsAppમાં પણ એવું મોડલ હોઈ શકે છે, જેમાં યુઝર્સને પોતાના કોન્ટેક્ટ્સના સ્ટેટસ જોવા માટે પહેલા જાહેરાત જોવી પડશે, અને જો જાહેરાત વગર સ્ટેટસ જોવો હોય તો સબ્સક્રિપ્શન લેવુ પડશે. હાલમાં આ ફીચર માત્ર ટ્રાયલ/બીટા વર્ઝનમાં જ જોવા મળ્યું છે.
Meta કેમ લઈ રહ્યું છે આ નિર્ણય?
Meta પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મોનેટાઇઝ કરવાની દિશામાં આગળ વધી રહી છે. Facebook અને Instagram બાદ હવે WhatsAppમાંથી પણ કમાણી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી એપને ચલાવવાનો ખર્ચ સીધો યુઝર્સ પાસેથી વસૂલ કરી શકાય.
WhatsAppના ભારતમાં લગભગ 80 કરોડ યુઝર્સ છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 2.8 અબજ યુઝર્સ સુધી પહોંચે છે. આવી મોટી યુઝર બેઝને ધ્યાનમાં રાખીને Meta આ પેઈડ ફીચર દ્વારા મોટી કમાણી કરી શકે છે.
બીટા વર્ઝનમાં દેખાયો પેઈડ મોડલ
રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષથી WhatsAppમાં Status અને Channels Views માટે જાહેરાતો લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને શક્ય છે કે તે તમામ દેશોમાં લાગુ ન થાય.
WhatsAppના નવા બીટા વર્ઝન 2.26.3.9માં પેઈડ એડ-ફ્રી સબ્સક્રિપ્શન મોડલ સંબંધિત કોડ્સ જોવા મળ્યા છે. જોકે, આ સબ્સક્રિપ્શન મોડલ ક્યારે અને કેવી રીતે લોન્ચ કરવામાં આવશે, તે અંગે Meta અથવા WhatsApp તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : 18 વર્ષે ઐતિહાસિક ક્ષણ આવી: ભારત-યૂરોપીયન યૂનિયન વચ્ચે ડિલ જોઈ અમેરિકાને મરચાં લાગ્યા











