ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની નાગરિકને 27 વર્ષથી વધુની જેલ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક મોટા અમેરિકન નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને 27 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 48 વર્ષીય મર્ચન્ટને ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે કામ કરીને અમેરિકામાં હત્યાની યોજના ઘડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ એરિક આર. કોમિટીએ તેને 330 મહિનાની સજા સંભળાવી હતી.
માર્ચ 2026માં ફેડરલ જ્યુરીએ તેને આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે જોડાયેલા આતંકવાદી કૃત્યના પ્રયાસ અને પૈસા આપીને હત્યા કરાવવાના કાવતરાના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.
ઈરાનની IRGC માટે કામ કરતો હોવાનો આરોપ
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા પ્રમાણે, આસિફ મર્ચન્ટ ઈરાનની IRGC સાથે જોડાયેલો પ્રશિક્ષિત ઓપરેટિવ હતો. તેણે સ્વેચ્છાએ આ સંગઠન સાથે જોડાઈને ગુપ્તચર પ્રવૃત્તિઓની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેને અમેરિકન અધિકારીઓની હત્યા માટે લોકોને શોધવા અને તેમને પૈસા આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમેરિકાના એટર્ની જનરલ ટોડ બ્લાંશે જણાવ્યું હતું કે ઈરાનનો એક એજન્ટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું પાર પાડવા અમેરિકા આવ્યો હતો અને તેને તેના ગુનાની સજા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકન નેતાઓ વિરુદ્ધ વિદેશી આતંકવાદી કાવતરાં ચલાવનારાઓ સામે ન્યાય વિભાગ કડક કાર્યવાહી ચાલુ રાખશે.
ટ્રમ્પ ઉપરાંત બાઇડેન અને નિક્કી હેલી પણ નિશાન પર
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મર્ચન્ટને આ કાવતરાનો મુખ્ય ટાર્ગેટ ડોનાલ્ડ ટ્રમ્પ હોવાનું લાગતું હતું. જોકે, તેણે તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીનાં નામ પણ સંભવિત નિશાન તરીકે લીધાં હતાં. તે સમયે આ તમામ નેતાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ કાવતરું ઈરાનની બદલો લેવાની ભાવના સાથે જોડાયેલું હતું. ઈરાન તેના પૂર્વ IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માગતું હતું. જાન્યુઆરી 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું.
2022માં ઈરાનમાં ભરતી કરાયો હોવાનો દાવો
અમેરિકાના ન્યાય વિભાગની પ્રેસ રિલીઝ અનુસાર, આશરે 2022માં IRGCએ મર્ચન્ટને પોતાની સાથે જોડ્યો હતો. તે સમયે તે ધાર્મિક યાત્રાઓ માટે ઈરાન જતો હતો. એક સંબંધી મારફતે તેની મુલાકાત IRGCના હેન્ડલર યુસુફ મેરહર્દાદ સાથે કરાવવામાં આવી હતી.
ત્યારબાદ 2023થી લગભગ દોઢ વર્ષ સુધી મર્ચન્ટે ઈરાનની રાજધાની તેહરાનમાં પોતાના હેન્ડલર સાથે આશરે 15 વખત મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન તેને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં પકડાઈ ન જવાની અને પોતાની ઓળખ છુપાવવાની રીતો શીખવવામાં આવી હોવાનો આરોપ છે. સાથે જ અમેરિકામાં જઈને સરકારી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાની સૂચના આપવામાં આવી હતી.
રાજકીય રેલીમાં હત્યા કરાવવાની યોજના
મર્ચન્ટને હત્યા માટે ગુનેગારો અથવા માફિયા સાથે જોડાયેલા લોકોને કામે રાખવાની સૂચના આપવામાં આવી હતી. યોજના મુજબ અમેરિકામાં યોજાનારી કોઈ રાજકીય રેલી દરમિયાન એક નેતાની હત્યા કરવાની હતી.
કોર્ટની સુનાવણી દરમિયાન મર્ચન્ટે પોતાની જુબાનીમાં પણ સ્વીકાર્યું હતું કે તેને આ કાવતરાનો અંતિમ નિશાન ટ્રમ્પ હોવાનું લાગતું હતું. એપ્રિલ 2024ની આસપાસ ઈરાનમાં એક સપ્તાહ વિતાવ્યા બાદ તે અમેરિકા પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાના એક પરિચિતને આ યોજના પાર પાડવામાં મદદ કરવા કહ્યું હતું. જોકે, આ પરિચિતે FBIને જાણ કરી દીધી હતી અને બાદમાં તપાસ એજન્સી માટે બાતમીદાર બની ગયો હતો.
FBIએ અંડરકવર ઓપરેશનથી કાવતરું નિષ્ફળ બનાવ્યું
મુકદ્દમા દરમિયાન રજૂ કરાયેલા એક વીડિયો રેકોર્ડિંગમાં મર્ચન્ટ બાતમીદારને પોતાની યોજનાનો એક ભાગ સમજાવતો અને રેલી દરમિયાન નેતાની હત્યા કરવાની યોજના દોરતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ તેણે કેટલાક એવા લોકોનો સંપર્ક કર્યો, જેમને તે વ્યવસાયિક હત્યારા માનતો હતો. હકીકતમાં તેઓ FBIના અંડરકવર એજન્ટ હતા. મર્ચન્ટે તેમની સાથે ત્રણ વખત મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે મળીને એક નેતાની હત્યા કરાવવા માગતો હોવાની વાત કરી હતી. આ કામ માટે તેણે શરૂઆતના ચૂકવણા તરીકે 5,000 ડોલર પણ આપ્યા હતા. આ રકમ તેને વિદેશમાં રહેતા સંબંધીઓની મદદથી મળી હતી.
12 જુલાઈ 2026ના રોજ ટેક્સાસમાંથી ધરપકડ
મર્ચન્ટની 12 જુલાઈ 2026ના રોજ ટેક્સાસના રિચમંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તે અમેરિકા છોડવા માટે એરપોર્ટ જવાની તૈયારીમાં હતો ત્યારે FBIએ તેને ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન તેના લેપટોપ, મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મહત્વના પુરાવા મળ્યા હતા. તેના ઇન્ટરનેટ સર્ચ રેકોર્ડમાં 2024ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અને ટ્રમ્પની ગતિવિધિઓ અંગેની માહિતી શોધવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેણે ચૂંટણી રેલીઓ વિશે વિગતો મેળવી હતી અને ન્યૂ જર્સીમાં ટ્રમ્પની એક રેલીનું સ્થળ શોધવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કર્યો હતો.
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાસિમ સુલેમાનીનાં વખાણ કરતી તેમજ ટ્રમ્પ અને અમેરિકાને નિશાન બનાવતી પોસ્ટ્સ પણ મળી આવી હતી.
અમેરિકન અધિકારીઓએ શું કહ્યું?
અમેરિકાના ન્યાય વિભાગના અધિકારી એમ. સ્કોટ પ્રોક્ટરે જણાવ્યું હતું કે IRGCએ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા મર્ચન્ટને અમેરિકા મોકલ્યો હતો. તેમણે કહ્યું કે ફેડરલ તપાસ એજન્સીઓ અને સરકારી વકીલોના પ્રયાસોથી આ કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું.
તેમના જણાવ્યા પ્રમાણે, મર્ચન્ટને મળેલી કડક સજા વિદેશી તાકાતોના ઇશારે અમેરિકામાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કરનારાઓ માટે ચેતવણીરૂપ છે.
અમેરિકન વકીલોએ કેસની કરી હતી દલીલ
આ કેસમાં ન્યૂયોર્કના પૂર્વી જિલ્લાના આસિસ્ટન્ટ અમેરિકન એટર્ની સારા કે. વીનિક, નીના સી. ગુપ્તા અને ગિલ્બર્ટ એમ. રેને સરકાર તરફથી દલીલો રજૂ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા વિભાગની આતંકવાદ વિરોધી ટીમના ડેપ્યુટી ચીફ પૉલ કેસી અને પેરાલીગલ નિષ્ણાત મેગ્ડાલેના સેન્ટ સુરિને પણ તપાસ અને કેસની કાર્યવાહી દરમિયાન સહાય કરી હતી.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આસિફ મર્ચન્ટને ફટકારવામાં આવેલી 27 વર્ષ અને 6 મહિનાની સજા વિદેશી સંગઠનોના ઇશારે અમેરિકામાં આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડનારાઓ સામેની કડક કાર્યવાહીનું ઉદાહરણ છે.












