અમદાવાદમાં MD ડ્રગ્સની ગુપ્ત લેબનો મોટો પર્દાફાશ! રાજસ્થાનના પોલ્ટ્રી ફાર્મથી મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક

અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સરખેજ-ગયાસપુર રોડ પર આવેલા લબ્બેક પાર્કના રહેણાંક મકાનના બેઝમેન્ટમાંથી ઝડપાયેલી ગેરકાયદે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ગુપ્ત લેબોરેટરીના કેસમાં હવે આંતરરાજ્ય નેટવર્કના તાર સામે આવ્યા છે.
NCB અમદાવાદ ઝોનલ યુનિટે આ કેસમાં આરોપી મુદસ્સરઅહેમદખાન મન્સુરઅહેમદખાન પઠાણને વધુ પૂછપરછ માટે અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ એજન્સીએ 4 દિવસના વધારાના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવ ખાતે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં પણ મેફેડ્રોન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌર અને જાઓરા સુધી આ નેટવર્કના તાર જોડાયેલા હોવાનું સામે આવતાં NCBએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
16 નવેમ્બરે રહેણાંક મકાનમાંથી ઝડપાઈ હતી MD ડ્રગ્સની લેબ
ચોક્કસ બાતમીના આધારે NCB અમદાવાદની ટીમે ગયાસપુરના લબ્બેક પાર્ક વિસ્તારમાં આવેલા મુદસ્સરઅહેમદખાન પઠાણના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાનના બેઝમેન્ટમાં ગેરકાયદે રીતે મેફેડ્રોન બનાવવાની ગુપ્ત લેબોરેટરી મળી આવી હતી.
તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 800થી 900 ગ્રામ મેફેડ્રોન તૈયાર થઈ શકે તેટલો કેમિકલનો જથ્થો અને તેને લગતાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 26.67 ગ્રામ લિક્વિડ મેફેડ્રોન અને 0.76 ગ્રામ પાવડર સ્વરૂપનું MD ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.
NCBએ 16 નવેમ્બર, 2026ના રોજ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ એક દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલી અનેક કડીઓ સામે આવી હતી.
કોર્ટે આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પ્રાથમિક રિમાન્ડ પૂર્ણ થતાં NCBએ આરોપીને ફરીથી અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ એજન્સીએ વધુ 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 3 દિવસના વધારાના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આગામી પૂછપરછ દરમિયાન NCB મુખ્યત્વે નીચેના મુદ્દાઓની તપાસ કરશે:
- ડ્રગ્સના આંતરરાજ્ય સપ્લાય નેટવર્કની કડીઓ શોધવી.
- આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને ફરાર શખ્સોને શોધવા.
- કેમિકલ સપ્લાયર્સની ઓળખ અને તેમની ભૂમિકા તપાસવી.
- ડ્રગ્સના વેચાણમાંથી થયેલી આર્થિક લેવડદેવડની વિગતો મેળવવી.
- આરોપી અને તેના પરિવારનાં બેંક ખાતાં તથા મિલકતોના નાણાકીય સ્ત્રોતની તપાસ કરવી.
પૂછપરછમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
1. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક
આરોપીની પૂછપરછમાં આ ડ્રગ્સ નેટવર્ક માત્ર અમદાવાદ પૂરતું મર્યાદિત ન હોવાનું સામે આવ્યું છે. તપાસમાં રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવના અકરમ ભાઈ, શેરદિલ ખાન અને જુનૈદ ખાન ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશનાં નામ સામે આવ્યાં છે. NCB હવે આ તમામ શખ્સોની ભૂમિકા અને તેમની વચ્ચેના સંપર્કોની તપાસ કરી રહી છે.
2. રાજસ્થાનના પોલ્ટ્રી ફાર્મમાં MD ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ
તપાસનો સૌથી ચોંકાવનારો ખુલાસો રાજસ્થાન સાથે જોડાયેલો છે. આરોપીએ પૂછપરછ દરમિયાન અગાઉ પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવ ખાતે આવેલા જુનૈદના પોલ્ટ્રી ફાર્મમાં તેની સાથે મળીને મેફેડ્રોન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અકરમ ભાઈ અને શેરદિલ ખાન પણ નૌગાંવમાં ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
3. મધ્યપ્રદેશથી રોકડમાં MD ડ્રગ્સ ખરીદતો હતો આરોપી
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાના અંગત ઉપયોગ માટે મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશ પાસેથી મેફેડ્રોન ખરીદતો હતો. આ માટે તે પોતાની પત્નીના નામે નોંધાયેલી Citroen C3 કાર લઈને દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડર અથવા મધ્યપ્રદેશના જાઓરા સુધી જતો હતો.
ત્યાં રોકડ રકમ ચૂકવીને ડ્રગ્સની ડિલિવરી મેળવતો હોવાની વિગતો સામે આવી છે. હવે NCB આ ખરીદી અને સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ કરી રહી છે.
4. અમદાવાદના ઓઢવ અને કઠવાડામાંથી ખરીદ્યાં હતાં કેમિકલ
ડ્રગ્સ બનાવવાની ગુપ્ત લેબોરેટરી માટે જરૂરી કેમિકલ્સની ખરીદી અંગે પણ મહત્ત્વપૂર્ણ વિગતો મળી છે. આરોપીએ ઓક્ટોબર 2024 દરમિયાન IndiaMART મારફતે અમદાવાદના ઓઢવ અને કઠવાડા વિસ્તારના સપ્લાયર્સ પાસેથી કેમિકલ્સ ખરીદ્યાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતાં કાચનાં સાધનો (ગ્લાસવેર) ઓઢવ વિસ્તારમાં આવેલી ‘રૂહી’ અથવા ‘જુહી’ નામની દુકાનમાંથી ખરીદ્યાં હોવાની કબૂલાત પણ આરોપીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
5. મકાન, કાર, એક્ટિવા અને બેંક ખાતાંની તપાસ
NCBની તપાસમાં આરોપીની મિલકતો અને નાણાકીય વ્યવહારો અંગે પણ વિગતો સામે આવી છે. આરોપીએ લબ્બેક પાર્ક ખાતેનું મકાન વર્ષ 2014માં ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેની પાસે એક્ટિવા સ્કૂટર અને પત્નીના નામે નોંધાયેલી Citroen C3 કાર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીના ICICI બેંક અને SBIમાં ખાતાં છે, જ્યારે તેની પત્નીનું ICICI બેંકમાં ખાતું હોવાનું જાણવા મળ્યું છે.
હવે બેઝમેન્ટમાં ડ્રગ્સની લેબોરેટરી ઊભી કરવા, મકાન અને અન્ય મિલકતો ખરીદવા માટે નાણાં ક્યાંથી આવ્યાં હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે. બેંક ટ્રાન્ઝેક્શન અને આર્થિક વ્યવહારોની તપાસથી ડ્રગ્સના કાળા કારોબારની કમાણી અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
NCBની તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદના એક રહેણાંક મકાનના બેઝમેન્ટમાંથી શરૂ થયેલી આ તપાસ હવે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. કેમિકલ સપ્લાયર્સ, ડ્રગ્સ ખરીદનારાઓ, ઉત્પાદન સાથે સંકળાયેલા શખ્સો અને નાણાકીય વ્યવહારોની કડીઓ જોડવા માટે NCB દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ દરમિયાન ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે મહત્ત્વપૂર્ણ વિગતો સામે આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે NCBની તપાસમાં આ આંતરરાજ્ય MD ડ્રગ્સ નેટવર્કના બીજા કેટલા મોટા નામો સામે આવે છે.
આ પણ વાંચો: જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને રેલવેનો મોટો નિર્ણય! રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડશે 2 જોડી સ્પેશિયલ ટ્રેનો











