અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક! તથ્ય પટેલના પાંચેય મિત્રો કોર્ટમાં ફરી ગયા

અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ટ્રાયલ દરમિયાન એક મોટો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. નવ નિર્દોષ લોકોના જીવ લેનાર આ ગમખ્વાર અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન અકસ્માત સમયે તથ્ય પટેલની કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપ અંગે અગાઉ આપેલા નિવેદનથી ફરી ગયા હોવાની માહિતી સામે આવી છે.

અગાઉ પોલીસ તપાસ દરમિયાન આ પાંચેય મિત્રોએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં તથ્ય પટેલ પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોવાની વાત જણાવી હતી. જોકે, હવે કોર્ટમાં જુબાની આપતી વખતે તેમણે પોતાના અગાઉના નિવેદનથી અલગ વાત રજૂ કરી છે. આ ઘટનાક્રમને કારણે કેસની ટ્રાયલમાં નવો વળાંક આવ્યો છે. જોકે, આ કેસમાં હાજર ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓને કારણે તપાસનો મહત્ત્વપૂર્ણ આધાર હજુ પણ અકબંધ હોવાનું માનવામાં આવે છે.

અગાઉ તથ્યની સ્પીડ અંગે આપ્યું હતું નિવેદન, હવે કોર્ટમાં ફરી ગયા

અકસમાતની રાત્રે તથ્ય પટેલની કારમાં તેની સાથે માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ બેઠાં હતાં.

પોલીસ તપાસ દરમિયાન આ પાંચેય વ્યક્તિઓ સહિત અન્ય મહત્ત્વના સાક્ષીઓનાં નિવેદનો CrPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યાં હતાં.

આ નિવેદનોમાં પાંચેય મિત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તથ્ય પટેલ અત્યંત ઝડપથી અને બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. કારમાં બેઠેલા મિત્રોએ તેને વારંવાર ગાડી ધીમી ચલાવવા માટે ટોક્યો હોવા છતાં તેણે તેમની વાત માની નહોતી.

જોકે, હવે કેસની ટ્રાયલ દરમિયાન આ પાંચેય સાક્ષીઓએ ગાડીની ઝડપના મુદ્દે અગાઉના નિવેદનથી અલગ જુબાની આપી છે. પરિણામે તેઓ પ્રોસિક્યુશન પક્ષના સાક્ષી તરીકે હોસ્ટાઇલ થયા હોવાનું સામે આવ્યું છે.

મિત્રો ફરી ગયા, પરંતુ 140 કિમીની સ્પીડના પુરાવા યથાવત્

આ કેસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે અકસ્માતની ભયાનકતા અને કારની ઝડપ અંગે માત્ર કારમાં બેઠેલા મિત્રોનાં નિવેદનો પર જ આધાર રાખવામાં આવ્યો નથી. તપાસ દરમિયાન અનેક વૈજ્ઞાનિક અને ટેક્નિકલ પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા હતા.

1. બાઇક સવારના કેમેરામાં અકસ્માતના લાઇવ ફૂટેજ

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલો આ અકસ્માત ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારના કેમેરામાં રેકોર્ડ થયો હતો. આ વીડિયોની નિષ્ણાતો દ્વારા ફ્રેમ-ટુ-ફ્રેમ તપાસ કરવામાં આવી હતી. તેના આધારે કારની ઝડપનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

2. FSL અને RTOની તપાસમાં ઝડપનો ખુલાસો

અકસ્મા બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ના નિષ્ણાતો દ્વારા કારની ટેક્નિકલ તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં કારની એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), બ્રેક લગાવ્યા બાદ કાર કેટલા અંતર સુધી આગળ ઘસડાઈ અને અકસ્માત સાથે જોડાયેલા અન્ય ટેક્નિકલ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી.

આ તપાસના આધારે અકસ્માત સમયે કારની ઝડપ આશરે 140 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું તપાસના રેકોર્ડમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે.

3. કાર કંપની પાસેથી મેળવવામાં આવ્યો ECM ડેટા

તપાસ અધિકારીઓએ કાર બનાવતી કંપની પાસેથી પણ વાહનનો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ (ECM) અને અન્ય ટેક્નિકલ ડેટા મેળવ્યો હતો.

આ ડેટા અકસ્માત પહેલાં કારની ગતિ અને અકસ્માતની ક્ષણો અંગે મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ ટેક્નિકલ વિગતો પણ કેસમાં મહત્ત્વના પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.

4. અન્ય નજરે જોનારા સાક્ષીઓની જુબાની પણ મહત્ત્વપૂર્ણ

અકસ्मાત સમયે ઈસ્કોન બ્રિજ પર અન્ય રાહદારીઓ અને વાહનચાલકો પણ હાજર હતા. આ પ્રત્યક્ષદર્શીઓની જુબાની પણ કેસની ટ્રાયલમાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. એટલે કે કારમાં સવાર પાંચ મિત્રો પોતાના નિવેદનથી ફરી ગયા હોવા છતાં પ્રોસિક્યુશન પાસે અન્ય સાક્ષીઓ અને પુરાવાઓનો આધાર ઉપલબ્ધ છે.

શું હોસ્ટાઇલ સાક્ષીઓથી તથ્ય પટેલનો કેસ નબળો પડશે?

કાયદાકીય દૃષ્ટિએ કોઈ સાક્ષી કોર્ટમાં અગાઉના નિવેદનથી ફરી જાય તો તેને હોસ્ટાઇલ વિટનેસ કહેવામાં આવે છે. જોકે, સાક્ષી હોસ્ટાઇલ જાહેર થાય એટલે આરોપી આપોઆપ નિર્દોષ સાબિત થઈ જાય એવું નથી.

કોર્ટ સમગ્ર કેસમાં ઉપલબ્ધ પુરાવાઓનું મૂલ્યાંકન કરે છે. અગાઉના નિવેદનો, કોર્ટમાં આપવામાં આવેલી જુબાની, પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો, CCTV અથવા વીડિયો ફૂટેજ અને ફોરેન્સિક રિપોર્ટ સહિતના તમામ પુરાવાઓની કાયદા મુજબ ચકાસણી કરવામાં આવે છે.

આ કેસમાં પણ કારની ઝડપ, અકસ્માતની પરિસ્થિતિ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓનું મહત્ત્વ રહેશે. પાંચેય મિત્રો પોતાની અગાઉની વાતથી ફરી ગયા હોવા છતાં કેસનો અંતિમ નિર્ણય અન્ય પુરાવાઓની વિશ્વસનીયતા અને અદાલતના મૂલ્યાંકન પર નિર્ભર રહેશે.

નવ લોકોના મોતના કેસમાં હવે કોર્ટના ચુકાદા પર સૌની નજર

ઈસ્કોન બ્રિજ અકસ્માતે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. એક બેફામ કારચાલનના કારણે નવ લોકોનાં મોત થતાં રાજ્યભરમાં ભારે રોષ ફેલાયો હતો. હવે વર્ષો બાદ કેસની ટ્રાયલ દરમિયાન મુખ્ય સાક્ષીઓ જ અગાઉના નિવેદનથી ફરી જતાં આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.

એક તરફ તથ્ય પટેલના પાંચેય મિત્રો કોર્ટમાં હોસ્ટાઇલ થયા છે, તો બીજી તરફ અકસ્માતના વીડિયો ફૂટેજ, FSL અને RTOની તપાસ તથા અન્ય ટેક્નિકલ પુરાવાઓ મહત્ત્વ ધરાવે છે.

હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં કોર્ટ તમામ સાક્ષીઓ અને પુરાવાઓનું મૂલ્યાંકન કરીને શું નિર્ણય આપે છે તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

આ પણ વાંચો: વાહ રે સરકારી તંત્ર! તહેવારોમાં લોકોએ મીઠાઈ ખાઈ લીધા બાદ તેના રિપોર્ટ આવ્યા, જાણો ખાવા જેવી હતી કે નહીં

Back to top button