અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

દિલજીત દોસાંઝના કોન્સર્ટનો અમદાવાદમાં ક્રેઝ, ફ્લાઈટ અને હોટલના ભાડામાં સાત ગણો વધારો

Hotel Flight Fares : અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝ એટલો વધી રહ્યો છે કે તેની અસર હવે ફ્લાઈટ અને હોટલના ભાડા પર પણ જોવા મળી રહી છે. 21 નવેમ્બર, 2026ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનારા દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટને માણવા દેશભરમાંથી યુવાનો અમદાવાદ આવવાની તૈયારી કરી રહ્યા છે. પરિણામે કોન્સર્ટના દિવસો દરમિયાન હવાઈ મુસાફરી અને હોટલમાં રોકાણ મોંઘું બન્યું છે.

અમદાવાદમાં 21 નવેમ્બરે દિલજીત દોસાંઝનો શો યોજાશે. જ્યારે 22 નવેમ્બરે રાજપથ ક્લબમાં પપોન (Papon) અને સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલ (Darshan Raval)નો કોન્સર્ટ યોજાવાનો છે. એક પછી એક મ્યુઝિક ઈવેન્ટ્સના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં બહારથી આવતા લોકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

ફ્લાઈટ ટિકિટના ભાવમાં 6થી 7 ગણો વધારો

કોન્સર્ટને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ₹3,500થી ₹8,000માં મળતી ટિકિટ માટે હવે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઇન્દોર સહિતનાં શહેરોમાંથી અમદાવાદ આવનારા મુસાફરોને આ વધેલા ભાડાનો સામનો કરવો પડી રહ્યો છે. તેની અસર માત્ર કોન્સર્ટમાં આવનારા લોકો પર જ નહીં, પરંતુ કામકાજ, બિઝનેસ મીટિંગ કે અંગત કારણોસર અમદાવાદ આવતા મુસાફરો પર પણ પડી રહી છે.

ચીકી ટ્રાવેલ એજન્સીના માલિક અંકિત બજાજે જણાવ્યું હતું કે, હાલમાં એરફેરમાં અસાધારણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે છ સીટના કુલ ભાડા જેટલી રકમ એક જ સીટ માટે ચૂકવવી પડી રહી છે. અલગ-અલગ શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં છથી સાત ગણો વધારો જોવા મળી રહ્યો છે.

હોટલના એક રૂમનું ભાડું ₹35 હજાર સુધી પહોંચ્યું

ફ્લાઈટની સાથે હોટલના ભાડામાં પણ મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ₹5,000થી ₹13,000માં મળતા હોટલ રૂમ માટે હવે ₹15,000થી ₹35,000 સુધી ચૂકવવા પડી શકે છે. ખાસ કરીને 21 અને 22 નવેમ્બરના રોજ હોટલના રૂમની માગ વધી રહી છે.

અમદાવાદની ધી ગ્રાન્ડ ભગવતી હોટલના માલિક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, આવી મોટી મ્યુઝિક ઈવેન્ટ્સથી હોટલ ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય છે. દિલજીત દોસાંઝ અને પપોનના કોન્સર્ટને કારણે બહારનાં શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવી રહ્યા છે.

કોન્સર્ટથી ટુરિઝમ અને હોટલ ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો

નરેન્દ્ર સોમાણીના જણાવ્યા અનુસાર, આવી ઈવેન્ટ્સનો લાભ માત્ર હોટલ ઉદ્યોગ પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને પણ તેનો ફાયદો થાય છે. અમદાવાદ આવતા લોકો કોન્સર્ટની સાથે આસપાસનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત પણ લેતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં હોટલના નિયમિત ભાડાની સરખામણીએ બે થી ત્રણ ગણો વધારો થયો છે. અગાઉ યોજાયેલી કોલ્ડપ્લે (Coldplay)ની ઇવેન્ટ અને IPL ફાઈનલ જેવી મોટી ઈવેન્ટ્સથી પણ અમદાવાદની હોટલ ઈન્ડસ્ટ્રીને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આમ, અમદાવાદમાં યોજાનારા મોટા મ્યુઝિક કોન્સર્ટનો ઉત્સાહ માત્ર સંગીતપ્રેમીઓમાં જ નહીં, પરંતુ હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : રશિયામાં ભયાનક વિમાન દુર્ઘટના! હવામાં જ આગ લાગ્યા બાદ AN-12 વિમાન ક્રેશ, 17 લોકોનાં કરુણ મોત

Back to top button