અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાહ રે સરકારી તંત્ર! તહેવારોમાં લોકોએ મીઠાઈ ખાઈ લીધા બાદ તેના રિપોર્ટ આવ્યા, જાણો ખાવા જેવી હતી કે નહીં

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તહેવારો દરમિયાન મીઠાઈ, નમકીન અને અન્ય ખાદ્યપદાર્થોની ભારે ખરીદી થતી હોય છે. આવા સમયે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ન થાય અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ અને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગનો નવેમ્બર મહિનાના પ્રથમ 16 દિવસનો તપાસ રિપોર્ટ હવે તહેવારો પૂર્ણ થયા બાદ સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે તહેવારો દરમિયાન લોકોએ મીઠાઈ અને અન્ય ખાદ્યપદાર્થો ખરીદીને ખાઈ લીધા હોય, ત્યારે તેના સેમ્પલના રિપોર્ટ પાછળથી જાહેર કરવાનો શું ફાયદો? તહેવારો દરમિયાન જ જો શંકાસ્પદ ખાદ્યપદાર્થો અંગે તાત્કાલિક કાર્યવાહી થાય તો નાગરિકોના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે.

16 દિવસમાં 479 ખાદ્ય એકમોમાં તપાસ, 141 સેમ્પલ લેવાયા

AMCના ફૂડ વિભાગ દ્વારા 1થી 16 નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં આવેલી 479 ખાદ્ય ધંધાકીય સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન કુલ 141 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં તપાસ બાદ તેમાંથી 3 નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના માપદંડ કરતાં ઊતરતા અને 1 નમૂનો અનસેફ એટલે કે ખાવા માટે અસુરક્ષિત જાહેર થયો હતો.

આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા 148 ખાદ્ય ધંધાકીય એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં મીઠાઈ, નમકીન, દૂધ અને દૂધની બનાવટો, મુખવાસ તથા બેકરી પ્રોડક્ટ્સ સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અમદાવાદની કઈ દુકાનની કઈ વસ્તુ ગુણવત્તામાં નિષ્ફળ?

ફૂડ વિભાગના રિપોર્ટમાં શહેરની અલગ-અલગ જગ્યાએથી લેવામાં આવેલા ચાર સેમ્પલ અંગે મહત્ત્વપૂર્ણ વિગતો સામે આવી છે.

1. આંબાવાડી – વિવેક ચાઇના ટાઉન

આંબાવાડી વિસ્તારમાં આવેલી વિવેક ચાઇના ટાઉન નામની લારીમાંથી લેવામાં આવેલો લો ફેટ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. એટલે કે આ પનીર નિર્ધારિત ગુણવત્તાના માપદંડો પર ખરો ઊતર્યો નહોતો.

2. માણેકચોક – પટેલ ચતુરભાઈ શિવરામ

માણેકચોક વિસ્તારમાં પટેલ ચતુરભાઈ શિવરામ પાસેથી લેવામાં આવેલો મીઠા માવાનો નમૂનો પણ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ રહ્યો હતો.

3. વટવા – શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ

વટવા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી લેવામાં આવેલું મિક્સ ચવાણું પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

4. કાલુપુર – એચ.એમ. વરખવાલા પ્રા.લી.

કાલુપુર વિસ્તારમાં આવેલી એચ.એમ. વરખવાલા પ્રા.લી.માંથી લેવામાં આવેલો સિલ્વર લીવ્સ એટલે કે ચાંદીના વરખનો નમૂનો અનસેફ જાહેર થયો છે. આ ચારેય નમૂનાઓમાંથી ચાંદીના વરખનો નમૂનો સૌથી ગંભીર બાબત તરીકે સામે આવ્યો છે, કારણ કે તેને ખાવા માટે અસુરક્ષિત ગણવામાં આવ્યો છે.

2,832 કિલો ખાદ્યપદાર્થોનો નાશ, 322 લિટર જથ્થો પણ નષ્ટ

તપાસ દરમિયાન AMCના ફૂડ વિભાગે મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, કુલ 2,832 કિલોગ્રામ ખાદ્યપદાર્થો ઉપરાંત 322 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 115 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 4.34 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

તહેવારો પછી રિપોર્ટ જાહેર થતાં AMCની કામગીરી સામે સવાલ

AMCના ફૂડ વિભાગની આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ભેળસેળનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, તહેવારો દરમિયાન જ મોટા પ્રમાણમાં મીઠાઈ અને નમકીનનું વેચાણ થતું હોય છે ત્યારે સેમ્પલના પરિણામો સમયસર જાહેર થવા જોઈએ તેવી નાગરિકોની માગ ઊઠી રહી છે.

તહેવારો દરમિયાન લોકો ખરીદેલી મીઠાઈ અને અન્ય ખાદ્યવસ્તુઓનું સેવન કરી ચૂક્યા હોય અને ત્યારબાદ તેના સેમ્પલ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ જાહેર થાય તો તેનો સામાન્ય નાગરિકોને કેટલો લાભ મળે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

હવે સવાલ એ છે કે AMCનો ફૂડ વિભાગ આગામી તહેવારોમાં સેમ્પલ લેવાની સાથે લેબોરેટરી રિપોર્ટ અને જરૂરી કાર્યવાહી પણ સમયસર કરશે કે પછી દર વખતની જેમ રિપોર્ટ મોડા જાહેર થશે? નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્રની જવાબદારી અને પારદર્શિતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં MD ડ્રગ્સની ગુપ્ત લેબનો મોટો પર્દાફાશ! રાજસ્થાનના પોલ્ટ્રી ફાર્મથી મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક

Back to top button