ટોપ ન્યૂઝવર્લ્ડ

હવે ભારતના બે મિત્ર દેશો વચ્ચે તણાવ ઉભો થયો, રાજદ્વારી સંબંધો તાત્કાલિક અસરથી સ્થગિત

International News: વિશ્વમાં હાલ કઈ બધુ બરાબર ચાલી રહ્યું નથી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, મિડલ ઈસ્ટમાં પણ તણાવ વધી રહ્યો છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે ગમે તે સમયે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે તો બીજી તરફ પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે વધુ બે દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે.

ભારતના મિત્ર દેશો વચ્ચે તણાવ ઉભો થયો

ભારતના બે મિત્ર દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે, જેમાં રાજદ્વારી સંબંધો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામા આવ્યા છે. આ નિર્ણય એક ટાપુના સર્વભૌમત્ય અને બદલાયેલા વલણ સામે લેવામાં આવ્યો છે. આ બે દેશ એટલે બીજુ કોઈ નહીં પણ મોરેશિયસ અને માલદીવ છે. મોરેશિયસ સરકારે ચાગોસ ટાપુઓની સાર્વભૌમત્વ અંગે માલદીવના બદલાયેલા વલણ બાદ એક મોટા રાજદ્વારી પગલા લઈને શુક્રવારે (27 ફેબ્રુઆરી 2026)ના રોજ માલદીવ સાથેના તમામ રાજદ્વારી સંબંધો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા છે.

વિવાદનું મુખ્ય કારણ શું છે?

મોરેશિયસના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, માલદીવ સરકારે તાજેતરમાં ચાગોસ ટાપુઓ અંગે પોતાનું વલણ બદલ્યું છે. માલદીવ હવે ચાગોસ ટાપુઓ પર મોરેશિયસની સાર્વભૌમત્વ અને તેની પ્રાદેશિક અખંડિતતાને માન્યતા આપતું નથી. વધુમાં, માલદીવે ચાગોસ ટાપુઓ અંગે મોરેશિયસ અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેના તાજેતરના કરાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે. પરિણામે, મોરેશિયસ કેબિનેટે માલદીવ સાથે સંબંધો તોડી નાખવાનું આ કડક પગલું ભર્યું છે, અને માલદીવ સરકારને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

મોરેશિયસના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

મોરેશિયસના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય મોરેશિયસની તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને સયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટરના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.’ માલદીવ સાથેના સંબંધો તોડવા ઉપરાંત, મોરેશિયસ કેબિનેટે ચાગોસ અને ડિએગો ગાર્સિયા સંબંધિત અન્ય મહત્વપૂર્ણ કાનૂની અને રાજદ્વારી વિકાસની પણ ચર્ચા કરી હતી.

માલદીવના રાષ્ટ્રપતિએ મજબૂત દાવો કર્યો

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ (Mohamed Muizzu)એ 5 ફેબ્રુઆરીએ કરેલા ‘સ્ટેટ ઓફ ધ નેશન’ સંબોધન પછી આ રાજદ્વારી કટોકટી વધુ ઘેરી બની, જેમાં તેમણે દાવો કર્યો હતો કે માલદીવનો ચાગોસ દ્વીપસમૂહ પર અન્ય કોઈપણ દેશ કરતાં વધુ મજબૂત દાવો છે. મુઈઝ 2022માં પાછલી માલદીવ સરકારે આપેલી મોરેશિયસની સાર્વભૌમત્વની માન્યતા ઔપચારિક રીતે પાછી ખેંચી લીધી. તેમણે આ નિર્ણયને માલદીવના સાગરના હિતોના રક્ષણ માટે જરૂરી ગણાવ્યો. વધુમાં, માલદીવ સરકારે ચાગોસ દ્વીપસમૂહનું નિયંત્રણ મોરેશિયસને ટ્રાન્સફર કરવાની યુનાઇટેડ કિંગડમ (UK)ની યોજના સામે ઔપચારિક વાંધો ઉઠાવ્યો છે.

ચાગોસ ટાપુઓનો કેસ શું છે?

ચાગોસ ટાપુઓનો વિવાદ આધુનિક ઇતિહાસમાં સૌથી જટિલ ભૂ-રાજકીય અને માનવ અધિકારોના મુદ્દાઓમાંનો એક છે. તે ફક્ત બે દેશો વચ્ચેનો જમીનનો ટુકડો નથી, પરંતુ તેમાં હિંદ મહાસાગરની વ્યૂહાત્મક સુરક્ષા, મહાસત્તાઓનો પ્રભાવ અને હજારો મૂળ લોકોના વિસ્થાપનનો પણ સમાવેશ થાય છે. ચાગોસ ટાપુઓ હિંદ મહાસાગરની મધ્યમાં સ્થિત 60 થી વધુ નાના ટાપુઓનો સમૂહ છે. આ મોરેશિયસથી લગભગ 2,200 કિલોમીટર ઉત્તરપૂર્વમાં અને માલદીવથી દક્ષિણમાં આવેલા છે. તેનો સૌથી મોટો ટાપુ ડિએગો ગાર્સિયા છે. તેના સ્થાનને કારણે, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં લશ્કરી દેખરેખ અને કામગીરી હાથ ધરવી અત્યંત સરળ છે.

બ્રિટને ચાગોસ ટાપુઓને મોરેશિયસથી અલગ કર્યું

મોરેશિયસ અને ચાગોસ ટાપુઓ બંને બ્રિટિશ કોલોની હતા. મોરેશિયસને 1968માં સ્વતંત્રતા મળવાની હતી. પરંતુ બ્રિટને સ્વતંત્રતાના ત્રણ વર્ષ પહેલાં, 1965માં ચાગોસ ટાપુઓને મોરેશિયસથી અલગ કરીને તેને બ્રિટિશ હિંદ મહાસાગર ક્ષેત્ર એમ એક નવું નામ આપ્યું હતું. બ્રિટને મોરેશિયસને માત્ર 3 મિલિયન ડૉલરનું વળતર ચૂકવ્યું હતું. મોરેશિયસે સતત દલીલ કરી છે કે આ કરાર સ્વતંત્રતા પહેલા દબાણ હેઠળ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હતું.

ડિએગો ગાર્સિયા અને અમેરિકી સૈન્ય કેમ્પ

ચાગોસને મોરેશિયસથી અલગ કરવાનું મુખ્ય કારણ અમેરિકા હતું. શીત યુદ્ધ દરમિયાન, અમેરિકાને હિંદ મહાસાગરમાં એક સુરક્ષિત અને વ્યૂહાત્મક સૈન્ય કેમ્પની જરૂર હતી. 1966માં, બ્રિટને ડિએગો ગાર્સિયા ટાપુ 50 વર્ષના ભાડાપટ્ટે અમેરિકાને આપ્યો હતો જે પાછળથી વધારવામાં આવ્યો હતો. આજે, તે અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ વિદેશી લશ્કરી અડ્ડાઓમાં એક છે, જેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોમાં પણ થયો હતો.

મૂળ નિવાસીઓનું બળજબરીથી વિસ્થાપન

અમેરિકાની લશ્કરી અડ્ડો સ્થાપિત કરવા માટે શરત એ હતી કે ટાપુ પર કોઈ સ્થાનિક વસ્તી ન હોવી જોઈએ. ત્યારબાદ, 1967 અને 1973ની વચ્ચે, બ્રિટને ચાગોસના આશરે 1,500થી 2,000 મૂળ નિવાસીઓને બળજબરીથી કાઢી મુકીને મોરેશિયસ અને સેશેલ્સમાં દેશનિકાલ કર્યા હતા. આ લોકોને પોતાના ઘરે પાછા ફરતા અટકાવવામાં આવ્યા, જેના કારણે મોટી કાનૂની અને માનવ અધિકારોની લડાઈ શરૂ થઈ.

ICJ અને UNનો નિર્ણય

મોરેશિયસે તેની સાર્વભૌમત્વ અને ચાગોસિયનોના પરત ફરવા માટે દાયકાઓ સુધી લડત આપી. 2019માં, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)એ એક ઐતિહાસિક સલાહકાર અભિપ્રાયમાં ચુકાદો આપ્યો હતો કે ચાગોસને મોરેશિયસથી અલગ કરવું ગેરકાયદેસર હતું અને બ્રિટને શક્ય તેટલી વહેલી તકે ટાપુઓ છોડી દેવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ પણ ભારે બહુમતીથી એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં બ્રિટનને ટાપુઓ મોરેશિયસને સોંપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિટને શરૂઆતમાં ઇનકાર કર્યો હતો.

તાજેતરનો બ્રિટન-મોરેશિયસ કરાર

દશકોના વિવાદ અને આંતરરાષ્ટ્રીય દબાણ પછી, બ્રિટન અને મોરેશિયસ એક કરાર પર પહોંચ્યા હતા, જેમાં બ્રિટન ચાગોસ ટાપુઓ પર મોરેશિયસની સાર્વભૌમત્વને માન્યતા આપવા સંમત થયું. જોકે એક મુખ્ય શરત હેઠળ કહેવામાં આવ્યું કે, ડિએગો ગાર્સિયા પર અમેરિકી સૈન્ય કેમ્પ લાંબા ગાળાના (સામાન્ય રીતે 99-વર્ષના) લીઝ હેઠળ કાર્યરત રહેશે.

માલદીવનો વિવાદ હવે શું છે?

માલદીવ અને ચાગોસ વચ્ચે દરિયાઈ સીમા (EEZ) વિવાદ થયો છે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)એ અગાઉ મોરેશિયસની તરફેણમાં સીમા નક્કી કરી હતી. માલદીવે અગાઉ મોરેશિયસના દાવાને ટેકો આપ્યો હતો, પરંતુ માલદીવ સરકારે હવે તેનું રાજદ્વારી વલણ બદલી નાખ્યું છે. માલદીવ હવે ચાગોસ પર મોરેશિયસની સાર્વભૌમત્વ અને બ્રિટન સાથેના કરાર સામે વાંધો ઉઠાવી રહ્યું છે, જેના કારણે મોરેશિયસે માલદીવ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાન-અફઘાનિસ્તાન જંગમાં ટ્રમ્પ કૂદી પડ્યા, કહ્યું હું હસ્તક્ષેપ કરીશ

Back to top button