ગિફ્ટ્સ લાવી છું, કહીને આદિત્ય રૉય કપૂરના ઘરમાં મહિલા જબરજસ્તી ઘૂસી

- મહિલાને જોતાંની સાથે જ આદિત્યએ સ્પષ્ટ કહ્યું કે તે તેને ઓળખી શક્યો નથી. મહિલાએ અભિનેતાની નજીક આવવાનો પ્રયાસ શરૂ કર્યો
HD ન્યુઝ ડેસ્કઃ મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘરમાં 47 વર્ષીય મહિલા કથિત રીતે બળજબરીથી ઘૂસી ગઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના સોમવાર, 26 મેના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અભિનેતા શૂટિંગના સંદર્ભમાં ઘરે હાજર ન હતા.
તે સમયે આદિત્ય રોય કપૂરના ઘરે એકમાત્ર વ્યક્તિ તેની કામવાળી સંગીતા પવાર (ઉ.વ.49) હાજર હતી. જ્યારે ડોરબેલ વાગી ત્યારે સંગીતાએ દરવાજો ખોલ્યો અને સામે એક મહિલા ઉભી હતી, જેણે પોતાનો પરિચય ગઝાલા ઝકારિયા સિદ્દીકી તરીકે આપ્યો હતો. મહિલાએ કહ્યું કે તે અભિનેતા માટે કપડાં અને ભેટો લાવી છે. સંગીતાએ તેની વાત માની અને તેને અંદર આવવા દીધી હતી.
રિપોર્ટ અનુસાર જ્યારે આદિત્ય રોય કપૂર થોડા સમય પછી ઘરે પાછો ફર્યો, ત્યારે સંગીતાએ તેને તે મહિલા વિશે જણાવ્યું. મહિલાને જોતાંની સાથે જ આદિત્યએ સ્પષ્ટ કહ્યું કે તે તેને ઓળખી શક્યો નથી. મહિલાએ અભિનેતાની નજીક આવવાનો પ્રયાસ શરૂ કર્યો, જેનાથી આદિત્ય પરેશાન થયો અને તેણે તરત જ સોસાયટી મેનેજર જયશ્રી ડંકડૂનો સંપર્ક કર્યો.
મહિલા વિરુદ્ધ કેસ નોંધાયો
આ પછી અભિનેતાના મેનેજર શ્રુતિ રાવને ફોન કરવામાં આવ્યો, જેમણે તાત્કાલિક ખાર પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાને દુબઈની રહેવાસી તરીકે ઓળખાવી પરંતુ તેણી ભારત કેમ આવી અને તે અભિનેતાના ઘરે કેવી રીતે પહોંચી તેનો સ્પષ્ટ જવાબ આપ્યો નહીં.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 331(2) હેઠળ કેસ નોંધ્યો, જે પરવાનગી વિના ઘરમાં પ્રવેશ કરવા અથવા જબરજસ્તી ઘૂસવા સંબંધિત છે. પોલીસને આ ઘટનામાં મહિલાના ગુનાહિત ઇરાદાની શંકા છે.
આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ
આદિત્ય રોય કપૂર આ દિવસોમાં અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનોં’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન, અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, ફાતિમા સના શેખ, અલી ફઝલ અને નીના ગુપ્તા જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 4 જુલાઈ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?












