વિશેષ

કોણ હતા રમેશ ફેફર? જાણો કલ્કીનો અવતાર ગણાવનારા રમેશ ફેફરની ‘કુંડળી’

રાજકોટમાં પોતાની જાતને કળીયુગી અવતાર ગણાવનાર રમેશ ફેકરે આપઘાત કરી લીધો છે. પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર એટલે કે ‘કલ્કી’ અવતાર ગણાવનાર રમેશ ફેફરે પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સરકારી અધિકારીઓની વિવાદિત હરકતોના કારણે તેનો પરિવાર તેને છોડીને જતો રહ્યો હતો. જેથી એકલતાને કારણે કંટાળીને ફેકરે આપઘાત કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે

રમેશચંદ્ર ફેફર નિવૃત સરકારી અધિકારી હતા. રાત્રિના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રમેશચંદ્ર ફેફર વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતા. તેઓ પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાવતા હતા. પોતે ભગવાન ‘કલ્કિ’ હોવાનો અનેક વખત દાવો કરી ચૂક્યો હતો. નોંધનીય છે કે, તેમના પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે.

કોણ હતા રમેશ ફેફર?

રમેશચંદ્ર ફેફર મૂળ રાજકોટના રહેવાસી હતા. તેમણે એમએસ યુનિવર્સિટી વડોદરામાંથી ડિગ્રી મળવી હતી. તેમણે નવેમ્બર 1990માં સહાયક એન્જિનિયર તરીકે રાજ્ય સરકારમાં નોકરીની શરૂઆત કરી હતી. તેમણે સિવિલ એન્જિનિયરો માટે એપ પણ બનાવી હતી.

વડોદરા ઓફિસમાં કરી નોકરી

ફેફર રાજ્યના જળ સંસાધન વિભાગની સરદાર સરોવર પુનર્વસન એજન્સીમાં વડોદરા ઓફિસમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતા. આઠ મહિનામાં માત્ર 16 દિવસ ઓફિસમાં હાજર રહેવા બદલ તેમને 2018માં કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તે સમયે જળ સંસાધન વિભાગના સચિવ એમ.કે. જાધવે જણાવ્યું હતું કે, “ફેફર ઓફિસમાં હાજર થયા વિના પગારની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમને ફક્ત એટલા માટે પગાર મળવો જોઈએ કારણ કે તેઓ ‘કલ્કી’ અવતાર છે અને પૃથ્વી પર વરસાદ લાવવાનું કામ કરી રહ્યા છે.” ગુજરાત સરકારના ભૂતપૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફરે માંગ કરી હતી કે તેમની ગ્રેચ્યુઇટી શક્ય તેટલી વહેલી તકે આપવામાં આવે નહીંતર તેઓ તેમની “દૈવી શક્તિઓ” નો ઉપયોગ કરીને આ વર્ષે વિશ્વમાં ભયંકર દુષ્કાળ લાવશે. ફેફરને લાંબા સમય સુધી ઓફિસમાં ગેરહાજરી બદલ સરકારી સેવામાંથી નિવૃત્તિ આપવામાં આવી હતી.

Back to top button