ગુજરાતમાં જળસંકટ/ 110 ડેમોમાં 20%થી ઓછું જળસ્તર; અમદાવાદમાં વરસાદ પાછો ઠેલાયો

Water crisis in Gujarat: ગુજરાતમાં ચોમાસાના મોડા આગમનને કારણે રાજ્યમાં પાણીની ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ન પડતા જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ રાજ્યના 110 જેટલા ડેમોમાં 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં લોકોને હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી શહેરમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે.
અમદાવાદમાં બફારો વધ્યો, લોકો પરેશાન
અમદાવાદમાં હાલ ગરમીની સાથે ભારે બફારો અનુભવાઈ રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ વધતાં લોકો ઉકળાટથી ત્રસ્ત બન્યા છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમદાવાદમાં 29 જૂન બાદ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ વધુ ગંભીર
સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ડેમો સંપૂર્ણ ખાલી થવાની કગાર પર પહોંચી ગયા છે. રાજકોટ, દ્વારકા, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના અનેક ડેમોમાં ‘ઝીરો સ્ટોરેજ’ની સ્થિતિ સર્જાઈ છે.
પ્રેમપરા, અડવાણા, સરણ, રૂપાવટી, હમીરપરા સહિત કુલ 17 ડેમો સૂકાઈ જતા મેદાન જેવા દેખાવા લાગ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ગત વર્ષની સરખામણીએ પાણીનો સંગ્રહ ઓછો
આ વર્ષે પ્રિ-મોન્સૂન વરસાદ ઓછો પડતાં રાજ્યમાં પાણીનો સંગ્રહ ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ માત્ર 27.40 ટકા જ પાણી બચ્યું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 46.79 ટકા જળસંગ્રહ હતો.
દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીએ ઘટ્યો હોવાનું સામે આવ્યું છે.
ખેતી અને પીવાના પાણી અંગે ચિંતા
રાજ્યમાં વરસાદમાં વિલંબ થતાં ખેતીવાડી અને પીવાના પાણી અંગે ચિંતા વધી રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો અનેક વિસ્તારોમાં પાણીની તંગી વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો : સાઉથ આફ્રિકા સામે હારવા છતાં ટીમ ઈન્ડિયા પહોંચી શકે છે સેમિફાઈનલમાં? જાણો શું છે આ ગણિત











