મેરઠમાં સેનાના જવાનને થાંભલા સાથે બાંધીને માર્યો, વાયરલ વીડિયો જોઇને હચમચી જશો

મેરઠ, તા. 18 ઓગસ્ટ, 2025: ઉત્તર પ્રદેશના મેરઠમાં ટોલ કર્મચારીઓની ગુંડાગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટોલના કર્મચારીઓએ સેનાના જવાન કપિલને દોડાવી દોડાવીને માર્યો અને પછી થાંભલા સાથે બાંધીને પણ માર માર્યો હતો. જ્યારે ટોલ કર્મચારીઓ કપિલને મારતા હતા, ત્યારે તેમને બચાવવા માટે તેમનો ભાઈ શિવમ આવ્યો હતો પરંતુ તેને પણ છોડવામાં આવ્યો નહોતો. બંનેને લાકડીઓ અને દંડાથી મારવામાં આવ્યા હતા. વીડિયોના આધારે પોલીસે કેસ નોંધીને 4 ટોલ કર્મચારીઓની ધરપકડ કરી હતી.
સેનામાં નોકરી કરતાં કપિલ રજા પૂરી થયા બાદ ફરી ફરજ પર પરત ફરી રહ્યા હતા. ટોલ કર્મચારીઓની ગુંડાગીરીનો આ વીડિયો સરૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂની ટોલ પ્લાઝાનો હોવાનું કહેવાય છે. રાજપૂત બટાલિયનમાં તૈનાત સેનાના જવાન કપિલ કાવડ યાત્રા દરમિયાન પોતાના ગામ ગોટકા રજા પર આવ્યા હતા. કપિલની રજા પૂરી થઈ ગઈ હતી અને તેઓ શ્રીનગર પાછા જઈ રહ્યા હતા. ટોલ પર ભીડને કારણે ટોલ કર્મચારીઓ સાથે તેમની ઝડપથી જવા બાબતે બોલાચાલી થઈ હતી. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
મેરઠના એસપી રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે સેનાના જવાન અને તેમના ભાઈ સાથે મારપીટ કરનાર ચાર ટોલ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. બે ટીમોની રચના કરવામાં આવી છે અને બાકીના આરોપી ટોલ કર્મચારીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.












