VIDEO: અમદાવાદની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાગી વિકરાળ આગ 13 બાળકોને સુરક્ષિત ખસેડાયા

અમદાવાદ 5 ઓક્ટોબર 2025: શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે સાંજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. કોચરબ આશ્રમ સામે આવેલી હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ ભારે દોડધામ મચી જવા પામી હતી, પરંતુ ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલના એક ભાગમાં આગ ભભૂકી ઊઠી હતી અને ધુમાડો ફેલાઈ જવાથી ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES)ની ટીમો 3 ફાયર ફાઈટર અને રેસ્ક્યુ વાન સાથે તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગે સક્રિયતા દાખવીને તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથોસાથ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને સ્ટાફની મદદથી અંદર દાખલ તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, હોસ્પિટલમાં દાખલ 13 બાળકોને તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, ફાયર બ્રિગેડની સમયસર અને હિંમતભરી કામગીરીને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક અનુમાન ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ તરફ ઈશારો કરે છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની ટક્કરમાં 4ના મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત












