મુંબઈ મેટ્રોમાં સ્ટંટ કરવો પડ્યો ભારે, વરુણ ધવનને મળી ચેતવણી; યુઝર્સે કહ્યું – ‘બોર્ડર 2’ની ખુશી?

મુંબઈ, 27 જાન્યુઆરી 2026: બોલિવૂડ અભિનેતા વરુણ ધવન હાલમાં પોતાની નવી ફિલ્મ ‘બોર્ડર 2’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે, પરંતુ આ વખતે તેઓ પોતાની ફિલ્મને કારણે નહીં, પરંતુ મુંબઈ મેટ્રોના કોચની અંદર કરેલા સ્ટંટને કારણે ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વરુણના કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ મેટ્રોમાં પુલ-અપ્સ કરતા નજરે પડે છે, ત્યારબાદ તેઓ વિવાદમાં ફસાયા છે.
મુંબઈ મેટ્રોમાં પુલ-અપ્સ કરવાં પડ્યા ભારે
વરુણ ધવનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવે છે કે શનિવારે ભારે ટ્રાફિકથી બચવા માટે વરુણ મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક એક થિયેટર પહોંચ્યા હતા. તેમણે પોતે મેટ્રોના કોચમાંથી એક વીડિયો શેર કર્યો હતો અને ફેન્સને પૂછ્યું હતું કે તેઓ કયા સિનેમા હોલ જઈ રહ્યા છે.
થોડી જ વારમાં એવા વીડિયો સામે આવ્યા, જેમાં વરુણ મેટ્રોના કોચની અંદર લગાવેલી લોખંડની રૉડ પર લટકી એક્સરસાઇઝ કરતા દેખાયા, જ્યારે આસપાસ અન્ય મુસાફરો પણ હાજર હતા. આ દૃશ્યોને કારણે સુરક્ષા મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ.
મુંબઈ મેટ્રોએ આપી કડક ચેતવણી
આ મામલે મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ જ વીડિયો શેર કરીને એક મહત્વપૂર્ણ સેફ્ટી સંદેશો આપ્યો.
View this post on Instagram
કૅપ્શનમાં લખવામાં આવ્યું,
“આ વીડિયોની સાથે એક એક્શન ફિલ્મ જેવી ડિસ્ક્લેમર હોવી જોઈએ હતી, વરુણ ધવન. કૃપા કરીને મહા મુંબઈ મેટ્રોમાં આવું કરવાનો પ્રયાસ ન કરો. અમને ખબર છે કે મિત્રો સાથે મેટ્રોમાં ફરવું મજાનું હોય છે, પરંતુ આ હેન્ડલ્સ લટકવા માટે બનાવેલા નથી.”
આગળ લખાયું કે,
“આવી હરકતો મેટ્રો રેલવે (ઓપરેશન અને મેન્ટેનન્સ) એક્ટ, 2002 હેઠળ ગુનો ગણાય છે. જેના માટે દંડ લાગી શકે છે અને ગંભીર કેસમાં જેલ પણ થઈ શકે છે. તેથી મેટ્રોમાં મુસાફરી કરો, પરંતુ જવાબદારીપૂર્વક. લટકશો નહીં.”
ટ્રોલ થયા વરુણ, પ્રશાસનને મળ્યા વખાણ
આ પોસ્ટ બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે મુંબઈ મેટ્રો પ્રશાસનની પ્રશંસા કરી. લોકોએ કહ્યું કે સેલિબ્રિટી હોવા છતાં નિયમો તોડવા બદલ વરુણને ચેતવણી આપવી યોગ્ય પગલું છે.
‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર ધમાકો
બીજી તરફ, વરુણ ધવનની વોર ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’, જે 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી, બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ અત્યાર સુધીમાં ₹140 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.
આ ફિલ્મમાં વરુણ સાથે સની દેઓલ, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જોવા મળે છે. સાથે જ મોના સિંહ, સોનમ બાજવા, અનન્યા સિંહ અને મેધા રાણા મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
આ પણ વાંચો : બગદાણા વિવાદમાં નવો ધડાકો: જયરાજ આહિરને શરુઆતમાં ક્લિનચીટ આપનારા પોલીસ અધિકારીઓ રડારમાં આવ્યા












