વડોદરાની હચમચાવી નાખતી ઘટના, બે મિત્રોએ એકબીજાના વિરહમાં આપઘાત કરી લીધો

વડોદરા, 13 જૂન 2026: વડોદરામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ બિહારનો અને હાલ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDCમાં ફાઈટર તરીકે કામ કરતો રવિશંકર રાજેશકુમાર પ્રસાદ નામનો યુવાન સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પરંતુ, 11 જૂનના રોજ તેના વતન બિહારમાં રહેતા તેના એક પરમ મિત્રએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર તેના સુધી પહોંચ્યા. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે મિત્રના મોતના આઘાતમાં સરી પડ્યો.
મિત્રના વિરહમાં પાગલ બનેલા રવિશંકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રના પાર્થિવ દેહનો ફોટો મૂકીને હૃદય કંપાવી દેનારું સ્ટેટ્સ લખ્યું હતું કે, ‘મેં તેરે પાસ જલ્દ આ રહા હું…’ અને આ સ્ટેટ્સ મૂક્યા બાદ, 11 જૂનના રોજ જ તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. રેલવે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
હજુ તો રવિશંકરના મોતના આઘાતમાંથી તેનો પરિવાર બહાર આવે અને તેનો મૃતદેહ વતન લઈ જવાની તૈયારી થાય તે પહેલાં જ, દોસ્તીના વિરહનો બીજો કરૂણ અધ્યાય શરૂ થયો. રવિશંકરની સાથે જ એક જ રૂમમાં રહેતો અને મૂળ યુપીનો તેનો ગાઢ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ રવિશંકરના આવા અચાનક મોતના આઘાતને સહન ન કરી શક્યો.
જે મિત્ર સાથે રોજ રાત્રે સાથે રસોઈ બનાવીને ખાતા હતા, તે મિત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો તે વાત વિકાસ પચાવી ન શક્યો. ગંભીર માનસિક તણાવમાં આવી ગયેલા વિકાસે 12 જૂનના રોજ, રવિશંકરના આપઘાતના બરાબર બીજા જ દિવસે, પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મકાન માલિકના જણાવ્યા મુજબ, બંને મિત્રો લાંબા સમયથી ત્યાં રહેતા હતા અને ખૂબ જ હળીમળીને રહેતા હતા, પરંતુ સાથી મિત્રના જવાથી વિકાસ તણાવમાં આવી ગયો હતો.
એક જ રૂમમાં સાથે રહેતા બે કમાતા-ધમાતા નવયુવાનોના એક પછી એક રહસ્યમય આપઘાતથી માણેજાના શ્રીજીનગર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: મમતા બેનર્જીની સાથે ભત્રીજાની મુશ્કેલી પણ વધી, અભિષેક બેનર્જીના ઘરે પહોંચી ગઈ પોલીસ












