વડોદરાની વિચિત્ર ઘટના: ખાડા અને ભયંકર ટ્રાફિકના કારણે દુલ્હન ફસાઈ, માંડવે પહોંચવા એક્ટિવ પર લિફ્ટ માગી

વડોદરા, 23 ફેબ્રુઆરી 2026: વડોદરા શહેરમાં રોડ પર પડેલા ખાડા અને ભારે ટ્રાફિક જામના કારણે એક અનોખી ઘટના સામે આવી છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વાત જાણે એમ છે કે, શહેરના આજવા રોડ પર આયોજીત એક લગ્નપ્રસંગમાં પહોંચવા માટે ટ્રાફિકના કારણે દુલ્હન અને તેના પરિવારજનો જ મુશ્કેલીમાં મૂકાયા હતા. લગ્ન મંડપમાં જાન આવવાનો સમય થઈ ગયો હોય દુલ્હને કારમાંથી ઉતરી એક્ટિવાચાલકની મદદથી લગ્નમંડપમાં પહોંચી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ અંગે દુલ્હને કહ્યું હતું કે, મારા લગ્ન તો મુહૂર્ત નીકળી ગયા બાદ પણ થઈ શક્યા હોત. પરંતુ, જો આ ટ્રાફિકમાં કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ હોત તો કોઈ વ્યકિતનો જીવ પણ જઈ શકે છે.
ટ્રાફિક્માં ફસાતા કારમાંથી ઉતરી એક્ટિવા પર સવાર થઈ લગ્નમંડપમાં પહોંચી
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં એક દુલ્હન લગ્નસ્થળે પહોંચવા માટે રસ્તામાં અટવાઈ ગઈ હતી. દુલ્હનની કાર 15 મિનિટના અંતરવાળા રસ્તા પર પહોંચવામાં 45 મિનિટથી વધુ સમય લાગી ગયો હતો. ખાડાઓ અને ટ્રાફિકના કારણે વાહન ખૂબ ધીમું ચાલતું હતું.
આ દરમિયાન મુહૂર્તનો સમય નજીક આવી રહ્યો હતો, જેથી દુલ્હને લગ્નનું ફોટો શૂટ પણ છોડવું પડ્યું હતું. જાન તો પાર્ટી પ્લોટ પહોંચી ગઈ હતી, પરંતુ દુલ્હન હજુ રસ્તામાં જ ફસાયેલી હતી. આ સમયે દુલ્હને મુહૂર્ત સાચવવા માટે એક અજાણ્યા વ્યક્તિની એક્ટિવા સ્કૂટર પર લિફ્ટ માંગવી પડી હતી. દુલ્હન એક્ટિવા પાછળ બેસીને લગ્નસ્થળે પહોંચી હતી.
વડોદરા શહેરમાં નાગરિકો દરરોજ આવા ટ્રાફિક જામમાં ફસાઈને હેરાન થઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોમાં રોડની સ્થિતિ અને વિકાસ કામોના સમન્વય અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર પાસે આવા પ્રકારની અસુવિધાઓ ટાળવા માટે વધુ સારું આયોજન અને ઝડપી કામ પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે.












