ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

“સસ્તું ચીની નાણું સાર્વભૌમત્વ છીનવી લેશે”: પેરૂના મેગા-પોર્ટ મામલે ટ્રમ્પ પ્રશાસનની આકરી ચેતવણી

નવી દિલ્હીઃ 12 ફેબ્રુઆરી, 2026: દક્ષિણ અમેરિકામાં ચીનના વધતા પ્રભાવને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને દક્ષિણ અમેરિકાના દેશ પેરૂને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ચીન દ્વારા નિર્મિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેની આઝાદી અને સાર્વભૌમત્વ (Sovereignty) માટે મોટું જોખમ છે.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં પેરૂની એક નીચલી અદાલતે ચુકાદો આપ્યો હતો કે પેરૂની સરકારી રેગ્યુલેટરી એજન્સી Ositran, ચીન દ્વારા બનાવવામાં આવેલા ‘ચાંકે મેગા-પોર્ટ’ (Chancay Port) ની દેખરેખ કે તપાસ કરી શકશે નહીં. આ આદેશ બાદ અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે.

અમેરિકન વિદેશ વિભાગના પશ્ચિમ ગોળાર્ધ બાબતોના બ્યુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ચીની માલિકો ‘શિકારી’ (Predatory) છે. પેરૂ પોતાના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દેખરેખ રાખવાનો સાર્વભૌમ અધિકાર ગુમાવી રહ્યું છે. આ સમગ્ર વિશ્વ માટે એક બોધપાઠ છે કે ચીનના સસ્તા પૈસાની કિંમત દેશના સાર્વભૌમત્વથી ચૂકવવી પડે છે.”

ચાંકે પોર્ટ: ચીનનું ‘ગેટવે ટુ સાઉથ અમેરિકા’

લીમાથી 80 કિમી ઉત્તરે આવેલું આ પોર્ટ ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) હેઠળ $1.3 બિલિયનના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટથી એશિયા અને દક્ષિણ અમેરિકા વચ્ચેનો શિપિંગ સમય 23 દિવસ જેટલો ઘટી જશે. ટ્રમ્પ પ્રશાસન માને છે કે આ પોર્ટ દ્વારા ચીન પશ્ચિમી ગોળાર્ધમાં પોતાની સૈન્ય અને આર્થિક પકડ મજબૂત કરી રહ્યું છે.

ચીનનો વળતો પ્રહાર

બીજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને અમેરિકાના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ચીને કહ્યું કે, અમેરિકા જાણી જોઈને અફવાઓ ફેલાવીને પ્રોજેક્ટને બદનામ કરી રહ્યું છે. ચીનના મતે, આ પોર્ટ સંપૂર્ણપણે પેરૂના કાયદા હેઠળ છે અને ત્યાં પેરૂની પોલીસ અને કસ્ટમ્સ અધિકારીઓ કાર્યરત છે.

ભવિષ્યની વ્યૂહરચના

પેરૂની સરકારી એજન્સીએ આ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ઉપલી અદાલતમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, અમેરિકા પણ પેરૂમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે ચાંકે પોર્ટની નજીક જ એક નવું નેવલ બેઝ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.

Back to top button