
US Midterm Elections 2026: અમેરિકામાં આગામી મિડટર્મ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરના વિવિધ સર્વે અને મતદાનના આંકડાઓ સૂચવે છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હાલ પરિસ્થિતિ અનુકૂળ નથી. ખાસ કરીને ઈરાન સાથેના તણાવ અને ઘરઆંગણે વધતી આર્થિક સમસ્યાઓના કારણે તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
તાજેતરમાં થયેલા Reuters-Ipsos, AP-NORC અને Verasight જેવા પ્રતિષ્ઠિત સર્વે મુજબ ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ લગભગ 33% થી 36% વચ્ચે પહોંચી ગયું છે, જે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરોમાં ગણાય છે. આ આંકડા દર્શાવે છે કે સામાન્ય અમેરિકન મતદારોમાં અસંતોષ વધતો જાય છે.
અર્થતંત્ર અને મોંઘવારી મોટો મુદ્દો
દેશની આર્થિક સ્થિતિ હાલ મતદારો માટે સૌથી મોટો મુદ્દો બની છે. સર્વે મુજબ લગભગ 70% અમેરિકનો માને છે કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. મોંઘવારી અને જીવનનિર્વાહ ખર્ચમાં વધારો સામાન્ય નાગરિક માટે ચિંતાનો વિષય બન્યો છે. ટ્રમ્પની આર્થિક નીતિઓને માત્ર 30% લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે અગાઉ આ આંકડો વધુ હતો. ખાસ કરીને “Cost of Living” મુદ્દે 76% લોકો અસંતુષ્ટ હોવાનું જણાયું છે, જે સરકાર સામે વધતી નારાજગીનો સંકેત આપે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈમિગ્રેશન નીતિ: ફાયદા કરતાં નુકસાન વધુ?
ટ્રમ્પની કડક ઇમિગ્રેશન અને ડિપોર્ટેશન નીતિ હવે તેમની પાર્ટી માટે પડકાર બની રહી છે. લગભગ 52% મતદારો એવું માને છે કે તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે આ નીતિને સમર્થન આપે. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ મુદ્દે વિરોધ વધુ તીવ્ર બન્યો છે. કેટલાક શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને તેની વચ્ચે બનેલી ઘટનાઓ બાદ વહીવટી તંત્રને પણ પોતાનો અભિગમ નરમ કરવો પડ્યો છે.
ઈરાન મુદ્દે વિદેશ નીતિ પર પ્રશ્નો
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે. Iran સાથે વધતા તણાવને લઈને 67% અમેરિકનોએ ટ્રમ્પના નિર્ણયોને નકાર્યા છે. સર્વે મુજબ 61% લોકો એવું માને છે કે હવે અમેરિકાએ ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ નહીં. આ સૂચવે છે કે લોકો યુદ્ધથી દૂર રહેવાની નીતિને પ્રાથમિકતા આપે છે.
કોર સપોર્ટ મજબૂત
આ બધા નકારાત્મક સંકેતો વચ્ચે ટ્રમ્પ માટે એક સકારાત્મક બાબત એ છે કે તેમની પાર્ટીનો કોર વોટબેંક હજુ પણ મજબૂત છે. રિપબ્લિકન સમર્થકોમાં લગભગ 83% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે. તે ઉપરાંત વોટર આઈડી અને નાગરિકતા પુરાવા ફરજિયાત કરવાની નીતિને પણ લગભગ 75% લોકોનું સમર્થન મળ્યું છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ શું રહેશે?
આગામી મિડટર્મ ચૂંટણીમાં મતદારો માટે મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
- અર્થતંત્ર – 29%
- લોકશાહી સામેના જોખમ – 24%
- હેલ્થકેર – 12%
- ગુનાખોરી – 10%
એકંદરે જોવામાં આવે તો ટ્રમ્પ માટે આગામી મિડટર્મ ચૂંટણી સરળ નથી. અર્થતંત્ર, મોંઘવારી, ઈમિગ્રેશન અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ પર વધતી નારાજગી તેમના માટે મોટો પડકાર બની શકે છે. જોકે, પાર્ટીનો મજબૂત આધાર તેમને હજુ પણ રાજકીય સ્પર્ધામાં ટકાવી રાખી શકે છે. આગામી સમયમાં મતદારોનો મૂડ અને ચૂંટણી અભિયાનની દિશા જ નક્કી કરશે કે આ રાજકીય લડતમાં કોણ આગળ નીકળે છે.
આ પણ વાંચો: ઝઘડિયા GIDCમાં મોટી દુર્ઘટના: બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો દાઝ્યા











