ઈરાનમાં યુદ્ધથી ડરના માહોલમાં રોકાણકારો, શું આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળશે?

Share Market: ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા અને તેના જવાબમાં તેહરાનની કાર્યવાહીનો પ્રભાવ ચારેય બાજુ જોવા મળી રહ્યો છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 10 ટકાનો ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ, આજે (સોમવારે) ભારતીય શેર બજાર નબળું ખુલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન–ઇઝરાયલ અને અમેરિકાની વચ્ચે વધતી યુદ્ધની પરિસ્થિતિને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે, જેના કારણે ગ્લોબલ રિસ્ક સેન્ટિમેન્ટ પર પણ નકારાત્મક અસર પડવાની આશંકા છે.
અનિશ્ચિતતાનું વાતાવરણ વધુ ઘેરું બન્યું
ઈઝરાયલી હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુના અહેવાલોએ રોકાણકારોમાં અનિશ્ચિતતા વધારી છે, જેનાથી રોકાણકારોમાં ભયનો માહોલ છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ 961.42 પોઈન્ટ અથવા 1.17% ઘટીને 81,287.19 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 317.90 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 25,178.65 પર બંધ થયો હતો.
વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો
રોકાણકારો પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ, યુએસ સુપ્રીમ કોર્ટના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવાના નિર્ણય અને AI સંબંધિત આગાહીઓ અંગે ચિંતિત હતા. હવે, યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો છે. આ પરિસ્થિતિમાં કાચા તેલના સપ્લાયથી લઈને શેરબજારના પ્રદર્શન સુધી અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
દબાવમાં ભારતીય શેરબજાર
નિષ્ણાતો માને છે કે વર્તમાન વાતાવરણને કારણે સ્થાનિક શેરબજાર પર દબાણ વધવાની ધારણા છે. હાલ વૈશ્વિક અર્થતંત્ર અને ભૂ-રાજનીતિ માટે સૌથી મોટું હોટ સ્પોટ હોર્મુઝ સ્ટ્રેટ બન્યું છે, કારણ કે વિશ્વના તેલ સપ્લાયનો લગભગ 20 ટકા ભાગ આ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ વકરે અને આ માર્ગ બંધ થઈ જાય, તો કાચા તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એવું બનશે તો વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પર પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે.
ભારત પર તેની નોંધપાત્ર અસર થવાની શક્યતા છે, કારણ કે ભારતની આશરે 60 ટકા LPG આયાત અને લગભગ 50 ટકા કાચા તેલની આયાત આ જ માર્ગ દ્વારા થાય છે. એવામાં આ રૂટ પર કોઈપણ અશાંતિ સર્જાય તો તેનો તરત અને મોટો મેક્રોઆર્થિક પ્રભાવ પડી શકે છે. તેલની કિંમતોમાં વધારો એટલે બજારમાં જોખમ વધવું, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું 75 ટકા કરતાં વધુ પેટ્રોલિયમ આયાત કરે છે. આર્થિક અને રાજકીય સ્તરે અસ્થિરતા વધે તો મોંઘવારી વધવાની, કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઊંચું જવાની અને RBIની વ્યાજદર નીતિ પર પણ અસર પડવાની સંભાવના છે.












