“હોર્મુઝમાં કોઈ જહાજ ના પ્રવેશ કરશે, ના બહાર નીકળશે”, ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે આપી ધમકી

Iran US Tensions: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ એક ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં લગભગ 21 કલાક ચાલેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી કરશે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ જહાજોને સ્ટ્રેટમાં પ્રવેશવા કે બહાર નીકળવા દેશે નહીં.
ટ્રમ્પે કહ્યું કે ઇસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓ સાથે મેરેથોન વાટાઘાટો દરમિયાન, ઘણા મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી, પરંતુ ફક્ત એક જ મુદ્દો શક્ય બન્યો ન હતો – ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. ટ્રમ્પે કહ્યું, “મીટિંગ સારી રહી, મોટાભાગના મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી, પરંતુ એક મુદ્દા પર સંમતિ સધાઈ ન હતી: પરમાણુ.” તેમણે કહ્યું કે ઈરાન તેના પરમાણુ લક્ષ્યો પર અડગ રહ્યું.
યુએસ નેવી કરશે જહાજોની નાકાબંધી
ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ નેવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની નાકાબંધી શરૂ કરશે. તેમણે કહ્યું, “તાત્કાલિક અસરથી, અમેરિકન નેવી હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશવા અથવા બહાર નીકળવાનો પ્રયાસ કરતા તમામ જહાજોને અટકાવવાની પ્રક્રિયા શરૂ કરશે.”
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાના પોતાના વચનને નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સમુદ્રમાં પાથરાયેલા લેન્ડમાઈન્સના જોખમે પહેલેથી જ શિપિંગ પ્રવૃત્તિઓને અસર કરી છે. તેમણે કહ્યું, “તેઓ કહે છે કે ક્યાંક માઇન હોઈ શકે છે, તો કયો જહાજ માલિક આ જોખમ લેવા તૈયાર થશે?”
આ પણ વાંચો: પીઓકે નજીક ચીનનો નવો વિસ્તાર, ભારત નારાજ












