ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પના નામે રહેણાંક પ્રમાણપત્રની અરજીથી સમસ્તીપુરમાં હડકંપ: અધિકારીઓ ચોંકી ગયા

પટના, તા. 6 ઓગસ્ટ, 2025: બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક વ્યક્તિએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે રહેણાંક પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી. જોકે, અરજી મળતાં જ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું અને તપાસ શરૂ કરવામાં આવી. હવે આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સમસ્તીપુર જિલ્લાના મોહિઉદ્દીન નગર સર્કલના લોકસભા કેન્દ્રમાં ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ ઑનલાઇન અરજી નંબર બીઆરસીસીઓ/૨૦૨૫/૧૭૯૮૯૭૩૫ દ્વારા રહેણાંક પ્રમાણપત્ર બનાવવા માટેની અરજી પ્રાપ્ત થઈ હતી. અરજીકર્તાનું નામ ડોનાલ્ડ જૉન ટ્રમ્પ લખેલું હતું. ખાસ વાત એ છે કે અરજીમાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ લગાવેલી હતી. આ જોઈને કાર્યાલયમાં હડકંપ મચી ગયો હતો.

અરજીમાં રહેઠાણના સરનામા તરીકે ગામ હસનપુર, વોર્ડ નંબર ૧૩, પોસ્ટ બાકરપુર, પોલીસ સ્ટેશન મોહિઉદ્દીન નગર, બ્લોક મોહિઉદ્દીન નગર, જિલ્લો સમસ્તીપુર નોંધેલું હતું.અરજી સર્કલ ઑફિસમાં પહોંચતાં જ ત્યાં હડકંપ મચી ગયો હતો. આ વિસ્તારના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. નવકુંજ કુમાર અને બ્રિજેશ કુમાર દ્વિવેદીએ સંયુક્ત રીતે નિવેદન બહાર પાડ્યું હતું.

જે મુજબ, આ સમગ્ર મામલાની સઘન તપાસ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફોટો, આધાર નંબર અને બારકોડ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ચાર ઓગસ્ટે મહેસૂલ અધિકારી દ્વારા આ અરજી રદ કરવામાં આવી હતી. પ્રશાસને આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. સમસ્તીપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સાયબર પોલીસ સ્ટેશનને આ અરજી ક્યાંથી કરવામાં આવી, તે શોધવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત અરજી કરવા માટે કયા આઈપી એડ્રેસ અને સિસ્ટમનો ઉપયોગ થયો, તે પણ શોધવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અગાઉ પણ આવા કેટલાક વિચિત્ર નિવાસ પ્રમાણપત્ર બનાવવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસ પ્રમાણપત્રના કેસથી ફરી એકવાર આખી સિસ્ટમ ચર્ચામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો, ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે છે

Back to top button