યોગી સરકારનો મોટો નિર્ણય, UPમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ
UP NEWS : ઉત્તર પ્રદેશથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. યોગી સરકારે એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને માવા (ખોવા) પર પ્રતિબંધ મૂકી દીધો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દૂધ અને દૂધની વાનગીઓ/ઉત્પાદોને તેમના અસલી સ્વરૂપમાં જ વેચવામાં આવવા જોઈએ. હકીકતમાં, દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તપાસ દરમિયાન દૂધના ઉત્પાદનોના સેમ્પલમાં ભેળસેળિયા પદાર્થો હોવાની પુષ્ટિ થઈ છે.
સરકારનું કહેવું છે કે જો ભેળસેળયુક્ત ઉત્પાદનો મળી આવશે તો આખી યુનિટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળવાળું દૂધ કે દૂધની બનાવટો મળવા પર સમગ્ર પ્રોડક્શન યુનિટનો માલ જપ્ત કરવામાં આવશે અને જાહેર આરોગ્ય માટે જોખમ જણાશે તો ફેક્ટરીને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવશે. સરકારે જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમની કલમ 34 હેઠળ તાત્કાલિક પ્રતિબંધનો આદેશ જાહેર થશે અને ખતરનાક રસાયણોનો ઉપયોગ સામે આવશે તો સંબંધિત લોકો સામે FIR નોંધવામાં આવશે. આ સિવાય તે બ્રાન્ડ સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે.
ભેળસેળ મળી આવશે તો કંપની પર પણ લાગશે પ્રતિબંધ
યુપી સરકારે કડક ચેતવણી આપી છે કે ભેળસેળયુક્ત ઉત્પાદનો બનાવતી કંપની/બ્રાન્ડના વેચાણ પર સમગ્ર યુપીમાં પ્રતિબંધ લાગશે. આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો તપાસમાં રાજ્યની બહાર નિર્મિત ડેરી ઉત્પાદનોમાં હાનિકારક રસાયણો અથવા વનસ્પતિ ચરબી (ફેટ) ની હાજરીની પુષ્ટિ થશે, તો અધિકારીઓ તે બ્રાન્ડને ઉત્તર પ્રદેશમાં ક્યાંય પણ વેચવા પર પ્રતિબંધ મૂકી દેશે. આ સિવાય સંબંધિત બ્રાન્ડનું ફૂડ લાયસન્સ અને રજિસ્ટ્રેશન પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ (નિલંબિત) કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડેરી પ્રોડક્ટ્સમાં હાનિકારક રસાયણોના ઉપયોગનો મામલો
અધિકારીઓએ અનેક જિલ્લાઓમાં દૂધ અને ડેરી ઉત્પાદનોમાં વિવિધ ભેળસેળ મળી આવી હોવાના અહેવાલ આપ્યા છે. જેમાં વનસ્પતિ ચરબી (ફેટ), સોયાબીન અને સોયા-આધારિત ઉત્પાદનો, ટેલ્કમ પાવડર, ડિટર્જન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, પ્રવાહી ગ્લુકોઝ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને વિવિધ ન્યુટ્રલાઇઝર્સ સામેલ છે. આદેશ અનુસાર, આવા ભેળસેળયુક્ત પદાર્થોથી દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન ગ્રાહકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી ખાદ્ય સુરક્ષા કમિશનર પર આ પદાર્થોના ઉપયોગ પર અંકુશ લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ રાજ્યોમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયેલો છે
જોકે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનારું ઉત્તર પ્રદેશ એકમાત્ર રાજ્ય નથી, પરંતુ તે પહેલાં ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત ઘણાં અન્ય રાજ્યોએ પણ વનસ્પતિ ચરબીમાંથી બનતા ડેરી વિકલ્પો (એનાલોગ પનીર) સામે આવા જ પગલાં ભર્યા છે અને પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો:સોફા કે બેડ ખસેડ્યા વગર જ મિનિટોમાં સાફ થઈ જશે નીચે જમા થયેલી ધૂળ, કામ આવશે આ 5 સરળ ટ્રિક્સ
આ પણ વાંચો:‘મર્યાદામાં રહો…’ પત્ની સુનિતાની ટિપ્પણી પર ગોવિંદાએ મૌન તોડ્યું












