ટ્રેન્ડિંગનેશનલ

UP માં હેલ્મેટ વગર બાઇક ચલાવતા BJP ધારાસભ્યનો વીડિયો વાયરલ, ભૂલ સમજાતા સામેથી પોલીસ પાસે કપાવ્યું ચલણ

Shalabh Mani Tripathi: ઉત્તર પ્રદેશના દેવરિયામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા નજરે પડ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ પોતાની ભૂલ છુપાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ધારાસભ્યે કોઈ પણ જાતની સફાઈ આપવાને બદલે ખુદ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સામેથી પોલીસ તંત્રનો સંપર્ક કરી ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ પોતાનું ચલાન કાપવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમના પર રૂ.1000 નો દંડ ફટકાર્યો હતો, જે તેમણે તાત્કાલિક ભરી દીધો હતો.

કાર્યકર્તાની નવી બાઇક ચલાવવા જતા સર્જાયો વિવાદ

આ સમગ્ર ઘટના રવિવાર સાંજની હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠી જ્યારે પોતાના નિવાસસ્થાને હતા, ત્યારે તેમની પાર્ટીના એક કાર્યકર્તા અનુજ પ્રમોદ મણિ નવી બાઇક ખરીદીને ત્યાં પહોંચ્યા હતા. કાર્યકર્તાએ ઉત્સાહમાં આવીને ધારાસભ્યને નવી બાઇકની શરૂઆત (શુકન) કરવા માટે થોડી દૂર ચલાવવાની વિનંતી કરી હતી. ધારાસભ્ય કાર્યકર્તાની વિનંતી ટાળી શક્યા નહીં અને બાઇક લઈને નીકળી પડ્યા, પરંતુ ઉતાવળમાં તેઓ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા હતા. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

સામેથી પત્ર લખીને દંડ ભર્યો, લોકો માટે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

અહેવાલ મુજબ, વીડિયો વાયરલ થયાની જાણ થતાં જ ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ તાત્કાલિક પોલીસ પ્રશાસનને પત્ર લખીને જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું હોવાથી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. પોલીસે ટ્રાફિક એક્ટ હેઠળ ₹૧,000 નો મેમો ફાડ્યો હતો, જેની રકમ ધારાસભ્યે ઓનલાઇન જમા કરાવી દીધી હતી.

‘હેલ્મેટ દંડથી બચવા નહીં, પોતાની જિંદગી માટે જરૂરી છે’

આ ઘટના બાદ ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ જનતાને પણ એક ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “ભલે મેં કાર્યકર્તાના આગ્રહ પર થોડે દૂર જ નવી બાઇક ચલાવી હતી, પરંતુ હેલ્મેટ વગર બહાર નીકળવું તદ્દન ખોટું હતું. ટ્રાફિક નિયમો અને સુરક્ષા બંને દ્રષ્ટિએ આ અસ્વીકાર્ય છે.” તેમણે લોકોને અપીલ કરતા ઉમેર્યું કે રસ્તો નાનો હોય કે મોટો, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ માત્ર પોલીસના ડર કે ચલાનથી બચવા માટે નહીં, પરંતુ પોતાની જિંદગીની સુરક્ષા માટે હંમેશા પહેરવું જોઈએ.

આ પણ વાંચોઃ Maharashtra: મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયંકર અકસ્માત ટેમ્પો ટ્રકની ટક્કરમાં 11 લોકોના મોત, 20 ઘાયલ

આ પણ વાંચોઃ ગોવિંદાના કાર્યક્રમમાં બબાલ : બાઉન્સર્સ અને પાપારાઝી વચ્ચે થઈ ઝપાઝપી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button