ગુજરાતટોપ ન્યૂઝ

પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર ફરી વિવાદમાં, સુરતમાં કરોડોની છેતરપિંડીનો કેસ નોંધાયો

Ahmedabad News: અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર અને પતંગ હોટલ સાથે જોડાયેલા ઉમંગ ઠક્કર ફરી એકવાર ગંભીર આરોપોના કારણે ચર્ચામાં આવ્યા છે. સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં તેમના તથા તેમના બે પુત્રો સામે મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ‘સત્યસંકલ્પ બિલ્ડકોન’ નામની કંપની મારફતે ઉમંગ ઠક્કર અને તેમના પરિવારજનોએ કામરેજ નજીક ખોલવડ ગામની સીમમાં ‘સહજાનંદ નિર્વાણ’ નામે રહેણાંક પ્લોટિંગ યોજના શરૂ કરી હતી. આ પ્રોજેક્ટમાં ઘણા રોકાણકારોને આકર્ષક વાયદા કરીને પ્લોટ બુક કરાવવામાં આવ્યા હતા.

ફરિયાદી તરીકે સામે આવેલા જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પુષ્પક પટેલે આ પ્રોજેક્ટમાં રોકાણ કરી અંદાજે ₹65 લાખથી વધુ રકમ ચૂકવી હતી. જોકે, પાછળથી ખુલાસો થયો કે જે જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો હતો તે વર્ષોથી વિવાદિત છે અને તે પહેલાથી જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરોપ મુજબ, બિલ્ડરોએ જમીનનો ટાઈટલ ક્લિયર ન હોવા છતાં અને જરૂરી સરકારી મંજૂરીઓ મેળવ્યા વિના જ બુકિંગ શરૂ કરી દીધું હતું. સાથે જ રેરા મંજૂરી હોવાનો ખોટો દાવો કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. આ રીતે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આશરે 15 જેટલા રોકાણકારો પાસેથી કુલ મળી ₹1.50 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ, છેતરાયેલા લોકોની સંખ્યા 30થી 40 સુધી હોઈ શકે છે.

ફરિયાદ નોંધાયા બાદ કામરેજ પોલીસે આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે દસ્તાવેજો અને નાણાકીય લેવડદેવડની વિગતો ખંગાળી રહી છે. આ મામલો બહાર આવતા અનેક મધ્યમવર્ગીય રોકાણકારોમાં ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

આ પણ વાંચો: VIDEO: પુનીત સુપરસ્ટારનો નવો ડ્રામા, ગટરના પાણીમાં ડુબાડીને ખાધા છોલે-કુલચે

 

Back to top button