રાજકોટમાં એન્જિનિયર વિદ્યાર્થી સહિત બે યુવાનોના ઉંચી બિલ્ડીંગ ઉપરથી પડી જતા મોત નિપજ્યા

રાજકોટમાં ઉંચી બિલ્ડીંગ ઉપરથી પડી જવાથી મોત થવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક આશાસ્પદ એન્જિનિયર વિદ્યાર્થી તેમજ એક મજૂરી કામ કરતા યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી મકાનના પાંચમા માળેથી પટકાયો હતો જ્યારે કે મજૂર યુવક ત્રીજા માળેથી પડી ગયો હતો.
પાર્થે રાત્રે જ ફાધર ડેની પરિજનો સાથે કરી હતી ઉજવણી
ઇમ્પિરીયલ હોટેલ સામે વોડાફોનવાળી શેરીમાં જાગનાથ પ્લોટમાં જૈન ઉપાશ્રય સામે આદિનાથ એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પડી જતાં એક યુવાનનું મોત થયાની જાણ ૧૦૮ના ઇએમટી રવિરાજસિંહે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ કે. એસ. મિશ્રાએ વાકેફ કરતાં પીએસઆઇ એ. આર. વરૂ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં આ મૃતક યુવાન આદિનાથમાં પાંચમા માળે રહેતો પાર્થ અતુલભાઇ થાનકી (ઉ.વ.૧૮) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેના સગાને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. વધુ વિગતો મુજબ પાર્થ બે ભાઇમાં મોટો હતો અને એવીપીટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો હતો. આ પરિવાર મુળ પોરબંદરનો વતની છે. દોઢેક વર્ષથી અહિ સ્થાયી થયો છે. તેના પિતા અતુલભાઇ થાનકીએ રાજેશ્રી સિનેમા નજીક હોટેલ ભાડેથી રાખી છે અને તેનું સંચાલક કરે છે. હર્ષ ભણવામાં ખુબ હોશીયાર હતો. રાતે હોટેલ ખાતે જ તેણે પિતા, માતા, નાના ભાઇ સાથે ફાધર્સ ડે ઉજવ્યો હતો. બાદમાં આ બધા હોટેલ ખાતે રોકાઇ ગયા હતાં અને હર્ષ ઘરે આવી ગયો હતો. સવારે સાડાત્રણથી ચાર વચ્ચે તે લોબીમાંથી પટકાયો હતો અને મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના આકસ્મિક હોવાનું ખુલ્યું છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક સમીર બ્રશ કરતો હતો અને પડ્યો
જ્યારે કે, જૂના મોરબી રોડ પર આવેલા સિટી સ્ટેશન પાસે આવેલા રાજનગર સોસાયટી શેરી નંબર -૨માં રહેતા સમીર મદે સરેન નામના ૨૮ વર્ષીય યુવાન ત્રીજા માળેથી પટકાતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસ મૃત જાહેર કર્યો હતો. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ઇમિટેશનું કામકાજ કરતો હતો અને તેના આકસ્મિક મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.












