US Tariff On India: 25% થી 50%… પછી 18%, યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર હવે કેટલો ટેરિફ લાગશે?

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને યુએસ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર જાહેર કરીને રદ કરી દીધો છે. આને ટ્રમ્પ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જોકે, કોર્ટના નિર્ણય બાદ, યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વભરના તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો ઉપયોગ કરીને દુનિયાને ડરાવ્યું હતું અને ટ્રેડ વોર જેવી પરિસ્થિતિ સર્જી હતી. બાબત રશિયન તેલની ખરીદીની હોય કે યુક્રેન-રશિયા યુદ્ધને રોકવાની, દરેક મામલામાં ટ્રમ્પે ટેરિફનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો. યુએસ રાષ્ટ્રપતિએ તો આ ટેરિફ દ્વારા વિશ્વભરમાં ઘણા યુદ્ધોને રોકવાના દાવાઓ પણ કર્યા હતા.
ભારતની વાત કરીએ તો, પહેલા અમેરિકાએ 25% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો અને પછી તેને વધારીને 50% કરી દીધો હતો. પરંતુ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સહમતી બનતાં તેને ઘટાડીને 18% કરવામાં આવ્યો હતો. હવે જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે, ત્યારે ટ્રમ્પે 10% વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ભારત પર લાદવામાં આવનાર ટેરિફની રકમ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું તે 18% જ રહેશે, 10% થઈ જશે, કે મિડ-પોઈન્ટ 13.5% લાગશે? ચાલો સમજીએ…
ભારત પર ટેરિફમાં વધઘટ થતી રહી છે
યુએસ સુપ્રીમ કોર્ટે લાદવામાં આવેલા વ્યાપક ટેરિફને રદ કર્યા પછી, ભારતે તેની યુએસ નિકાસ પર કેટલો ટેરિફ ચૂકવવો પડશે તેને લઈને અસંમંજસ સર્જાઈ છે. ભારત પર અમેરિકાના ટેરિફમાં વધઘટ થતી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફ વોર (ટ્રમ્પ ટેરિફ હુમલો) શરૂ કર્યો હતો, ત્યારે શરૂઆતમાં ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે ઓગસ્ટમાં અચાનક ટેરિફ બમણો કરીને 50% કરી દીધો અને રશિયન તેલની ખરીદીને તેનુ કારણ બતાવ્યું. તેમણે યુક્રેન યુદ્ધ માટે ભારતના સમર્થનનો ઉલ્લેખ કર્યો અને ભારત પર દંડ તરીકે વધારાનો 25% ટેરિફ લાદ્યો.
ભારત પર 50% ટેરિફ લાગુ કર્યા પછી, બંને દેશો વચ્ચે તણાવ વધુ ઘેરો બન્યો અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર વાટાઘાટો અટકી ગઈ. જોકે, તાજેતરમાં, બંને દેશો વચ્ચે સહમતી બની અને ટ્રમ્પે અચાનક ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કરી દીધો. ટ્રમ્પે વધારાના 25% ટેરિફને પણ નાબૂદ કર્યો અને દાવો કર્યો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે.
હવે ભારત પર કેટલો ટેરિફ: 18%, 10% કે 13.5%?
યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફને રદ કરી દીધો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ લગભગ 50 વર્ષ જૂના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો ઉપયોગ કરીને શાંતિકાળમાં ટેરિફ લાદી શકે નહીં. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતે 18% કે 10% ટેરિફ ચૂકવવો પડશે, કે પછી દેશ પર લાગુ યુએસ ટેરિફ 13.5% લાગશે? સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ભારત પર લાગતાં 18%ના રિસિપ્રોકલ ટેરિફનો કાનૂની આધાર હવે સમાપ્ત થઈ જાય છે.
કાયદાકીય સુધારા બાદ, 18%ના રિસિપ્રોકલ ટેરિફ રદ્દ થવાથી ભારત પર ટેરિફ માત્ર 3.5% રહી જાય છે. આ દર ટ્રમ્પના નિર્ણય પહેલાં ભારતને Most Favored Nation (MFN) સ્ટેટસ મળવાને કારણે લાગતો હતો. જોકે, કોર્ટના નિર્ણયથી ગુસ્સે થઈને ટ્રમ્પે ઉતાવળે કલમ 122નો ઉપયોગ કરીને તાત્કાલિક 10% વૈશ્વિક ટેરિફ લાગુ કર્યો. આ 10% ટેરિફ હવે રદ્દ થયેલા ટેરિફની જગ્યાએ લાગશે. આ રીતે, 10%ના નવા ટેરિફને જોડ્યા પછી ભારત પર લાગતો ટેરિફ 13.5% થઇ ગયો છે.
ટ્રમ્પે ભારત પર ટેરિફને લઈને શું કહ્યું?
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં હાર બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે કલમ 122નો ઉપયોગ કરીને 10% ગ્લોબલ ટેરિફ લાગુ કર્યો છે. આ ધારા અમેરિકાના રાષ્ટ્રપતિને 150 દિવસ માટે 15% સુધીના ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે, પરંતુ આ સમયમર્યાદા પછી, તેમણે કોંગ્રેસની મંજૂરી મેળવવી પડશે. ભારત અંગે, ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત પર ટેરિફ પહેલેથી નક્કી થયેલી ટ્રેડ ડીલ મુજબ 18% જ રહેશે. જો કે, તેમના આ દાવા પર બાદમાં વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય રીતે હાલમાં ભારત પર 10% ટેરિફ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોણ છે નીલ કાત્યાલ….જેમની કાનૂની દલીલોથી ટ્રમ્પનો ટેરિફ નિર્ણય રદ થયો












