કોણ છે નીલ કાત્યાલ….જેમની કાનૂની દલીલોથી ટ્રમ્પનો ટેરિફ નિર્ણય રદ થયો

નીલ કાત્યાલે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લાદવાના અધિકારને પડકાર્યો હતો. કાત્યાલ એક પ્રતિષ્ઠિત વકીલ અને ભૂતપૂર્વ કાર્યકારી સોલિસિટર જનરલ છે, જે અગાઉ કોર્ટ સમક્ષ ઘણા મહત્વપૂર્ણ કેસોમાં દલીલો કરી ચુક્યા છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. અદાલતે તેમના દ્વારા લાગુ કરાયેલા ઇમરજન્સી કાયદા હેઠળના ટેરિફને રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરિફ લગાવવાના અધિકારને વકીલ નીલ કાત્યાલે પડકાર્યો હતો.
તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કોંગ્રેસ (અમેરિકન સંસદ) પાસે વ્યવસાયનું નિયમન કરવાની સત્તા ચોક્કસ છે, પરંતુ ટ્રમ્પ આ સત્તાનો મનમાની કરીને ઉપયોગ ના કરી શકે. આનાથી નીલ કાત્યાલ ચર્ચામાં આવી ગયા છે.
કોણ છે નીલ કાત્યાલ?
નીલ કાત્યાલનો જન્મ શિકાગોમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર છે અને માતા ડૉક્ટર છે. કાત્યાલ ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયા અને પછી યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લાર્ક તરીકે કામ કર્યું.
નીલ કાત્યાલ હાલમાં મિલબેંક એલએલપીમાં ભાગીદાર છે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરમાં પોલ સોન્ડર્સ પ્રોફેસર છે. તેઓ બંધારણીય અને જટિલ અપીલ બાબતોમાં નિષ્ણાત છે.
કાત્યાલે ઓબામા વહીવટ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના કાર્યકારી સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. ઓબામાએ 2010 માં તેમને કાર્યકારી સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ કાત્યાલે યુએસ સુપ્રીમ કોર્ટ અને અપીલ કોર્ટમાં ફેડરલ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું.
તેમણે કોર્ટમાં 50 થી વધુ કેસોમાં દલીલો કરી
કાત્યાલે પોતાની કારકિર્દીમાં 50 થી વધુ કેસોમાં દલીલો કરી છે. તેમણે 1965ના મતદાન અધિકાર કાયદાની બંધારણીય માન્યતાનો બચાવ કર્યો હતો. તેમણે 2017માં ટ્રમ્પના મુસાફરી પ્રતિબંધને પણ પડકાર્યો હતો. કાત્યાલે મિનેસોટામાં જ્યોર્જ ફ્લોયડ હત્યા કેસમાં ખાસ ફરિયાદી તરીકે પણ કામ કર્યું.
કાત્યલને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા
નીલ કાત્યલ “ઇમ્પીચ: ધ કેસ અગેઇન્સ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ” પુસ્તકના લેખક છે. તેમને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સર્વોચ્ચ નાગરિક સન્માન, “એડમન્ડ રેન્ડોલ્ફ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા છે. 2017 અને 2023 માં “ધ અમેરિકન લોયર” દ્વારા તેમની “લિટિગેટર ઓફ ધ યર” તરીકે પસંદ કર્યા હતા. તેમજ Forbesએ 2024 અને 2025માં તેમને અમેરિકાના ટોપ 200 વકીલોની યાદીમાં સ્થાન આપ્યું હતું.
આ પણ વાંચો: મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને ઝટકો, ભારતને રાહત, હવે ખાલી 10 ટકા ટેરિફ લાગશે












