Mamata Banerjee Party Meeting: પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ TMCના સુપ્રીમો મમતા બેનરજીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અને પાર્ટીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજી પર થયેલા હુમલા બાદ પક્ષની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનરજીએ ધારાસભ્યોની એક તાકીદની બેઠક બોલાવી હતી. રવિવારે સાંજે 4 વાગ્યે મમતા બેનરજીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને આ બેઠક શરૂ થઈ હતી. જોકે, આ બેઠકમાં ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહેતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બાકીના 60 ધારાસભ્યોની ગેરહાજરીને પગલે તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક ભંગાણ પડ્યું હોવાની અને પક્ષના મોટાભાગના ધારાસભ્યો શાસક પક્ષના સંપર્કમાં હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
પક્ષમાં જૂથવાદની ચર્ચા વચ્ચે કુણાલ ઘોષે એકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો
બેઠકમાં ધારાસભ્યોની પાંખી હાજરીને કારણે સર્જાયેલી ક્ષોભજનક સ્થિતિ વચ્ચે બેલેઘાટાના ધારાસભ્ય કુણાલ ઘોષ મમતા બેનરજીના નિવાસસ્થાનની બહાર આવ્યા હતા અને પક્ષમાં બધું બરાબર હોવાનું દર્શાવવા માટે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, પક્ષમાં કોઈ જૂથવાદ નથી, પરંતુ મોટાભાગના ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનોમાં વ્યસ્ત હોવાને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે.
કુણાલ ઘોષે બચાવ કરતા ઉમેર્યું કે, “ગઈકાલે અભિષેક બેનરજી અને આજે સાંસદ કલ્યાણ બેનરજી પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ટીએમસીના ધારાસભ્યો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે અમારા ઘણા કાર્યકરોની અટકાયત કરી હોવાથી ધારાસભ્યો તેમને છોડાવવાની કાનૂની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ધારાસભ્યોની વિનંતીને ધ્યાને રાખીને જ આ બેઠક સત્તાવાર રીતે પાછી ઠેલવામાં આવી છે, અને જે 20 ધારાસભ્યો આવ્યા હતા તેમણે માત્ર અંદરોઅંદર અનૌપચારિક ચર્ચા કરી છે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1 અને 2 જૂને તૃણમૂલ કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે
પક્ષ દ્વારા આગામી કાર્યક્રમોની જાહેરાત કરતા જણાવાયું છે કે, 1 જૂને તૃણમૂલના કાર્યકરો દ્વારા દરેક વોર્ડ અને બ્લોક સ્તરે વિશાળ વિરોધ માર્ચ કાઢવામાં આવશે. ત્યારબાદ, 2 જૂના રોજ મમતા બેનરજી પોતે અભિષેક બેનરજી પર થયેલા હુમલા અને રાણી રાશ્મોણી રોડ પરથી ફેરિયાઓને હટાવવાના મુદ્દા સહિતની વિવિધ બાબતોના વિરોધમાં એક દિવસીય પ્રતીક ધરણા પર બેસશે.
તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લીધી
બીજી તરફ, શાસક પક્ષે આ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લીધી છે. માણિકતલાના ભાજપના ધારાસભ્ય તાપસ રોયે મમતા બેનરજી પર આકરા પ્રહારો કરતા કટાક્ષ કર્યો હતો કે, “આ ઘટના સાબિત કરે છે કે તૃણમૂલના પોતાના ધારાસભ્યોએ હવે મમતા બેનરજીના નેતૃત્વમાં સંપૂર્ણ અવિશ્વાસ વ્યક્ત કરી દીધો છે અને ટીએમસીનું પતન હવે નિશ્ચિત છે.”
આ પણ વાંચો: Bihar : હવે રંગ જ કહેશે ઓટોનો રૂટ! શહેરમાં નવી વ્યવસ્થા અમલમાં












