નેશનલ

TMC નેતા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CID: બીજી નોટિસ ફટકારાતા સુકાંત મજુમદારે સાધ્યું નિશાન

Abhishek Banerjee CID Second Notice: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો વળાંક આવ્યો છે, જ્યારે રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ની ટીમ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીના દક્ષિણ કોલકાતામાં કાલીઘાટ રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલના જ કેટલાક ધારાસભ્યોના કથિત બનાવટી હસ્તાક્ષરો સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે સીઆઈડીની ટીમ ત્યાં પહોંચી હતી. બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીને આજે બપોરે 12:00 વાગ્યે ભવાની ભવન સ્થિત સીઆઈડી મુખ્યાલયમાં હાજર થવાનું સમન્સ હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા.

સ્વાસ્થ્યનું કારણ આપી 15 દિવસનો સમય માંગ્યો, CID એ આપી બીજી નોટિસ

અભિષેક બેનરજીએ સીઆઈડીને ઈમેઈલ મોકલીને આગામી 15 દિવસનો સમય વધારવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 30 મેના રોજ દક્ષિણ 24 પરગણા જિલ્લાના સોનારપુરમાં થયેલા કથિત હુમલા બાદ તેમની શારીરિક સ્થિતિ સશક્ત નથી. જોકે, સીઆઈડીના અધિકારીઓ આજે સાંસદના ઘરે બીજી નોટિસ આપવા પહોંચ્યા હતા, જેમાં તેમને 8 જૂને બપોરે 12:00 વાગ્યે સીઆઈડી ઓફિસમાં હાજર થવાનો કડક આદેશ અપાયો છે. સીઆઈડીની ટીમ જ્યારે પહોંચી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો અને ખાનગી સુરક્ષા કર્મચારીઓએ જણાવ્યું હતું કે અભિષેકની પરવાનગી બાદ જ દરવાજો ખોલાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તપાસ અંગે શું ખુલાસો કર્યો?

રાજ્યના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ટીએમસીના બે ધારાસભ્યો – ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાએ વિધાનસભા અધ્યક્ષ રતિન્દ્ર બોઝના કાર્યાલયને સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે પસાર કરાયેલા પક્ષના પ્રસ્તાવ (ઠરાવ) પર તેમની સહીઓ બનાવટી કરવામાં આવી હતી. આ ગંભીર વહીવટી છેતરપિંડી સામે આવ્યા બાદ જ સરકારે સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે.

ભાજપ નેતા સુકાંત મજુમદારે ઘેર્યા

આ મામલે હવે બંગાળમાં ભારે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુકાંત મજુમદારે આકરા પ્રહારો કરતા કહ્યું કે, “અભિષેક બેનરજી ગમે તેટલો પ્રયાસ કરે, તેઓ કાયદાથી બચી શકશે નહીં. આજે તેમણે સમન્સ ટાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આખરે તેમણે સીઆઈડી સમક્ષ હાજર થવું જ પડશે. તેઓ ક્યાં સુધી આ હકીકતથી ભાગતા રહેશે?”

આ પણ વાંચો: UP : યુપીમાં મોટું ઓપરેશન, ISI સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ

Back to top button