ગંભીરા બ્રિજ કેસમાં તંત્રની ગુનાઈત બેદરકારી છાપરે ચડીને પોકારે છેઃ 2022માં થયેલી રજૂઆત ધ્યાનમાં ન લીધી

એચડી ન્યૂઝ, 9 જુલાઈ, 2025ઃ Gambhira Bridge incident ગંભીરા બ્રિજ તૂટી પડવાના કેસમાં જે ગંભીર હકીકતો બહાર આવી છે તે અત્યંત ચિંતાજનક છે. આ કેસમાં હવે એવું જાણવા મળી રહ્યું છે કે, જિલ્લા પંચાયતના એક સભ્યે છેક 2022માં આ પુલની કથળેલી સ્થિતિ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી હતી છતાં આજ સુધી કોઈ નક્કર પગલાં નહીં લેવાતા આજે 10 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 8 વાગ્યે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ અચાનક ધરાશાયી થતાં ત્યાંથી પસાર થતાં 4થી વધુ વાહનો નીચે નદીમાં પટકાયાં હતાં. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે.
દરમિયાન, જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદ સિંહ પરમાર દ્વારા ઓગસ્ટ 2022માં આ પુલના સંબંધમાં સરકારને આપવામાં આવેલી લેખિત અરજીની ચર્ચા થઈ રહી છે. જાગરણ મીડિયાના અહેવાલ અનુસાર, આ અરજીમાં પુલની જર્જરિત સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. જો આ ફરિયાદ પર સમયસર ધ્યાન આપવામાં આવ્યું હોત તો ઘણાં જીવ બચાવી શકાયા હોત. મીડિયાની ટીમે હર્ષદ સિંહ પરમાર સાથે આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું કે સરકારે જાણીજોઈને લોકોના જીવ લીધા છે. હું માંગ કરું છું કે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે. હર્ષદ સિંહ પરમારે જણાવ્યું કે જ્યાં આ પુલ તૂટ્યો છે તે મારું ગામ છે. મારું ઘર આ પુલથી માત્ર 500 મીટરના અંતરે છે. હું અહીં જિલ્લા પંચાયતનો સભ્ય છું. ઓગસ્ટ 2022માં અમે આ પુલની જર્જર સ્થિતિ અંગે સરકારને લેખિત રજૂઆત કરી હતી. જેમાં અમે જણાવ્યું હતું કે આ પુલની ઘનતા અને કંપન ખૂબ વધારે છે. તેથી અમે વિનંતી કરી હતી કે જો આ પુલના બ્લોક આટલા હાલી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે. તેથી આ પુલ બંધ કરી દેવામાં આવે અને નવો પુલ બનાવવામાં આવે.

તેમણે આગળ જણાવ્યું કે, “અમારી અરજી બાદ ગાંધીનગરથી R&B વિભાગના અધિકારીઓ અહીં આવ્યા. તેમણે અહીં નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે કંપન સામાન્યથી થોડું વધારે છે. આ દરમિયાન અમે કહ્યું કે પુલનું સમારકામ કરાવો અથવા જનહિતમાં પરીક્ષણ રિપોર્ટ પ્રકાશિત કરો. જો આવી કોઈ ખામી છે, તો પુલનું સંચાલન કેવી રીતે કરી શકો? પરંતુ આ લોકો ન અટક્યા અને પુલ ચાલુ રાખ્યો.”
આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ ઘટનાઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પીડિતો માટે વળતરની જાહેરાત
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












