કચ્છ - સૌરાષ્ટ્ર

ગર્ભમાં બાળકનું મૃત્યુ, આંતરિક રક્તસ્ત્રાવ શરૂ પણ તબીબોની મહેનત રંગ લાવી, વાંચો ભુજની મહિલાને કેમ મળ્યું નવજીવન

ભુજ, 18 જુન 2025: Health Facility in Kachchh ભુજમાં શ્રમજીવી પરિવારની  સર્ગભા ગજરાબેન પટ્ટણીને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ ભુજની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯ માસનો ગર્ભ ધરાવતા મહિલાને તારીખ પહેલા પ્રસૂતિની પીડા થતાં તેણીની તપાસ કરતા ગર્ભમાં બાળક મૃત હોવાનું નિદાન થયું હતું. સ્થિતિ કપરી બની ગયા બાદ તબીબોએ મહેનત કરીને મહિલાની 15 દિવસ સુધી સારવાર કરીને નવજીવન આપ્યું છે.

હિમોગ્લોબિન માટે શું પડકાર ઉભો થયો ?

પ્રસુતિકાળ દરમિયાન બાળકનું મૃત્યુ થયા પછી  શ્રમજીવી મહિલાને અચાનક આંતરિક રક્તસ્ત્રાવનું પ્રમાણ પણ વધી જતા હિમોગ્લોબીન ઘટીને ૪ ટકા જેટલું થઇ જતા  “બી નેગેટીવ” બ્લડની તત્કાલ જરૂરિયાત ઉભી થઇ હતી. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૩ની ટીમ અને તાલુકા હેલ્થ ઓફિસર ભુજ દ્વારા બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. સગર્ભા તબિયત સ્થિર થયાં બાદ બીજા દિવસે સિઝેરિયન કરીને મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.

વધુ સારવાર માટે શું કર્યું ?

ઓપરેશન તથા અન્ય સારવાર છતાં મહિલાના હિમોગ્લોબીનનું પ્રમાણ ન વધતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ લાભાર્થીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ અમદાવાદ જવા અસમર્થ હોવાથી જિલ્લા રસીકરણ અધિકારી દ્વારા જી.કે.જનરલના તબીબ સાથેના પરામર્શ બાદ લાભાર્થીને અમદાવાદ લઇ જવા માટે ફ્રી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગોલ્ડન અવર્સથી થયો ફાયદો

સર્ગભાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસની સઘન સારવાર આપવામાં આવતા અંતે મહિલા પર જીવનું જોખમ ટળ્યું હતું. આમ, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોલ્ડન અવર્સમાં શ્રમજીવી મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે સફળ પ્રયાસ કરતા મહિલાને નવજીવન પ્રાપ્ત થયું હતું.

આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં જનભાગીદારીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે?  

આ પણ વાંચો : કચ્છમાં શિક્ષણ સંસ્થાઓની આસપાસ શું પ્રતિબંધ લાદ્યો? જાણો નહીંતર વેપારીઓને થશે દંડ

Back to top button