ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શું હિન્દુ મંદિર માટે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો  વિવાદ યુદ્ધમાં પરિણમ્યો? જાણો રસપ્રદ ઇતિહાસ

નવી દિલ્હીઃ 24 જુલાઈ, 2025:  Thailand-Cambodia Conflict:  દક્ષિણપૂર્વ એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ ફરી ગરમાયો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તાજેતરની અથડામણમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને બંને દેશોએ પોતાના સૈનિકોની તૈનાતી વધારી દીધી છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ સંઘર્ષનું મૂળ શું છે અને લશ્કરી તાકાતની દ્રષ્ટિએ કોણ વધુ મજબૂત છે?

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વિવાદ મુખ્યત્ત્વે તેમની 800 કિલોમીટર લાંબી સરહદને લઈને જૂનો વિવાદ છે. જે 100 વર્ષોથી ચાલે છે. તેનું મૂળ છે 1907 માં ફ્રેન્ચ વસાહતી શાસન દરમિયાન દોરવામાં આવેલો નકશો. જેનો ઉપયોગ કંબોડિયા તેની સરહદો દોરવા માટે કરે છે પરંતુ, થાઈલેન્ડ તેને સચોટ માનતું નથી. ખાસ કરીને, 11મી સદીનું હિન્દુ મંદિર, પ્રેહા વિહાર મંદિર વિવાદનું કેન્દ્ર રહ્યું છે. 1962માં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે (ICJ) એ કંબોડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો પરંતુ આસપાસના વિસ્તારો પર અસંમતિ હતી.

2008માં વધ્યો તણાવ

2008માં જ્યારે કંબોડિયાએ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તણાવ વધી ગયો હતો, થાઇલેન્ડે કંબોડિયાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ, ઘણી નાની અથડામણો થઈ જેમાં સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા. મે 2025 માં કંબોડિયાના એક સૈનિકના મૃત્યુ પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. બંને દેશોએ સરહદ પર સૈનિકો વધારી દીધા. ગુરૂવારે થયેલી અથડામણમાં, થાઇલેન્ડે કંબોડિયા પર રોકેટ હુમલાનો આરોપ લગાવ્યો હતો જ્યારે કંબોડિયાએ કહ્યું કે, થાઇલેન્ડે પહેલાં હુમલો કર્યો હતો.

કોણ વધારે છે મજબૂત?

લશ્કરી તાકાતની વાત કરીએ તો, થાઈલેન્ડ કંબોડિયાથી ઘણું વધારે આગળ છે. મળતી માહિતી મુજબ, થાઈલેન્ડની સક્રિય લશ્કરી તાકાત 2,21,000 સૈનિકો છે જ્યારે કંબોડિયામાં 81,150 સૈનિકો છે. થાઇ સેના પાસે 635 ટેન્ક, 16,935 બખ્તરબંધ વાહનો અને 258 હેલિકોપ્ટર છે, જેમાં 7 એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, થાઈલેન્ડની નૌકાદળ પાસે 293 જહાજો અને 1 હેલિકોપ્ટર કેરિયર છે જે તેની દરિયાઈ શક્તિ દર્શાવે છે. બીજી બાજું, કંબોડિયા પાસે 644 ટેન્ક, 3,627 બખ્તરબંધ વાહનો અને ફક્ત 23 હેલિકોપ્ટર છે, જેમાં કોઈ એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થતો નથી. જોકે, કંબોડિયા પાસે 463 મોબાઇલ રોકેટ પ્રોજેક્ટર છે.

થાઈલેન્ડ આર્થિક મોરચે પણ પ્રભુત્વ ધરાવે છે, કારણ કે તેનું સંરક્ષણ બજેટ અને અર્થતંત્ર કંબોડિયા કરતા ઘણું મોટું છે. થાઈલેન્ડ પાસે 3,219 કિમી લાંબો દરિયાકિનારો અને 4,000 કિમી જળમાર્ગો છે જ્યારે કંબોડિયા પાસે ફક્ત 443 કિમીનો દરિયાકિનારો અને 3,700 કિમીનો જળમાર્ગો છે. ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં, થાઈલેન્ડ 25મા ક્રમે છે અને કંબોડિયા 95મા ક્રમે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે થાઈલેન્ડ લશ્કરી શક્તિમાં ઘણું આગળ છે.

આ પણ વાંચોઃ નેશનલ હાઈવે પર દર કલાકે 6થી વધુ અવસાન, નીતિન ગડકરીએ રજૂ કર્યા ચોંકાવનારા આંકડા

આ પણ વાંચોઃ નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને સીએમના અભિનંદન  

Back to top button